April 1, 2026
ગુજરાત

સુરતના પુણામાં ત્રણ વર્ષથી ગુમ તરુણનો કેસ : પોલીસે 45 ફૂટ ઊંડો કૂવો ખોદ્યો છતાં મૃત્તદેહ ન મળ્યો, ત્રણ મિત્ર સામે અપહરણનો ગુનો નોંધ્યો... 

11:50:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતના પુણામાં ત્રણ વર્ષથી ગુમ તરુણનો કેસ : </strong></span>પોલીસે 45 ફૂટ ઊંડો કૂવો ખોદ્યો છતાં મૃત્તદેહ ન મળ્યો, ત્રણ મિત્ર સામે અપહરણનો ગુનો નોંધ્યો... </p>

સુરતના પુણા વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ ગુમ થયેલા એક તરુણની હત્યા થઈ હોવાની તેના જ મિત્રએ કરેલી કબૂલાતે સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બે મહિનાની રાત-દિવસની મહેનત અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ બાદ પણ પોલીસના હાથે માત્ર નિષ્ફળતા જ લાગી છે. શહેરના પુણા વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની અનિલ ગૌડનો 17 વર્ષીય ભાઈ વિવેક ઉર્ફે ગબ્બર મે 2023માં અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. 

તા.22 મે 2023ના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર કયાંક ચાલ્યો ગયો હતો. ગુટખા અને નશીલા પદાર્થનો બંધાણી વિવેક પરિજનો ઠપકો આપતા ઘર છોડીને ચાલ્યો જતો અને પરત પણ આવી જતો હતો. જેથી પરિજનોએ શોધખોળ કરી ન હતી, પરંતુ ત્રણ વર્ષ બાદ આ કેસમાં આવેલો વળાંક કોઈ ફિલ્મી પટકથાથી ઓછો નથી. પરંતુ 25 જાન્યુઆરી 2026ના રોજ દિવ્યાંશું લાલબાબુશાહ ગુપ્તાએ અનીલનો સંર્પક કરી તમારો ભાઈ વિવેક મારો પણ મિત્ર હતો અને તેના બીજા બે મિત્ર કુંદન અનીલ ઝા ઉ.વ. 18) અને મોનુ સંતોષ ઠાકુરએ ક્યાંક ગુમ કર્યો છે. 

જો કે, તેના મિત્રએ તરૂણના ભાઈનો સંર્પક કરી તેના બે મિત્રોએ હત્યા કરી જમીનમાં દાટી દીધો હોવાનું જણાવતા છેલ્લા બે મહિનાથી પોલીસ ડેડબોડી શોધી રહી છે.

આ કબૂલાત બાદ હરકતમાં આવેલી પુણા પોલીસે જ્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે હત્યા કર્યા બાદ શબને દાટી દીધું હતું, પરંતુ થોડા સમય પછી કબર ખોદીને મૃતકનું માથું કાપી બાજુમાં આવેલા એક કૂવામાં ફેંકી દીધું હતું. પોલીસે આ વાતને ગંભીરતાથી લઈ અંદાજે 5000 સ્ક્વેર ફૂટનો આખો પ્લોટ પાંચ ફૂટ ઊંડે સુધી ખોદી નાખ્યો હતો. એટલું જ નહીં, જે કૂવો તેના માલિકે માટી નાખીને પૂરી દીધો હતો, તેને પણ મજૂરો લગાડીને 45 ફૂટ ઊંડો ખોદાવ્યો હતો. આટલી હદ સુધીની તપાસમાં પોલીસને કોઈ માનવ અવશેષ ન મળતા આખરે 'ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર' (GPR) જેવી હાઈટેક સિસ્ટમનો સહારો લેવાયો હતો, જે જમીનની અંદર દટાયેલા હાડપિંજર કે લોખંડ જેવી વસ્તુઓ શોધી કાઢે છે. જોકે, બે મહિનાની સખત મહેનત બાદ પણ પોલીસને એક વાળ કે હાડકું પણ ન મળતા તપાસની દિશા પર સવાલ ઊભા થયા છે.

હત્યાની કબૂલાત હોવા છતાં કાયદાકીય રીતે જ્યાં સુધી મૃત્તદેહ ન મળે ત્યાં સુધી હત્યાનો ગુનો નોંધવો મુશ્કેલ હોવાથી પોલીસે હાલમાં ત્રણેય મિત્રો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર એ છે કે જો હત્યા થઈ છે તો ડેડબોડી ક્યાં ગઈ? શું આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે પછી શબને અન્ય ક્યાંક ખસેડવામાં આવ્યું છે? આ રહસ્ય પરથી પડદો ઊંચકવા માટે હવે પોલીસ ત્રણેય શકમંદોના નાર્કો એનાલિસિસ અથવા લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવાની દિશામાં આગળ વધી રહી છે. અત્યારે તો સુરતના આ શાંત વિસ્તારમાં ત્રણ વર્ષ જૂના આ 'મર્ડર મિસ્ટ્રી' કેસે ભારે ચર્ચા જગાવી છે અને લોકોમાં કુતૂહલ છે કે આખરે વિવેક સાથે એ દિવસે શું થયું હતું.