પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું, કૂપર કોનોલીની વિસ્ફોટક ફિફ્ટી અને પ્રસિદ્ધ કૃષ્ણાની ધારદાર બોલિંગ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના ચોથા મુકાબલામાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને ૩ વિકેટે હરાવીને સીઝનનો શાનદાર પ્રારંભ કર્યો છે. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોમાંચક વળાંકોથી ભરેલી આ મેચમાં પંજાબ કિંગ્સે 5 બોલ બાકી રહેતા લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત આક્રમક રહી હતી. પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં ટીમે કોઈ પણ નુકસાન વિના 54 રન જોડી દીધા હતા. જોકે, મધ્ય ઓવરોમાં પંજાબના બોલરોએ વળતો પ્રહાર કર્યો હતો.
કેપ્ટન શુભમન ગિલે 27 બોલમાં 39 રન અને જોસ બટલરે 38 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જેના સહારે ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 162 રનનો સ્કોર બનાવ્યો હતો. ગુજરાતની રન ગતિ પર બ્રેક લગાવવામાં પંજાબના બોલરો સફળ રહ્યા હતા. વિજયકુમાર વૈશાખે સૌથી વધુ ઘાતક બોલિંગ કરતા ૩ મહત્વની વિકેટ ઝડપી હતી. અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ પોતાની ફિરકીનો જાદુ ચલાવી 2 વિકેટ ખેરવી હતી, જ્યારે માર્કો યાનસનને 1 સફળતા મળી હતી. અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં 11 બોલ ફેંક્યા હોવા છતાં પંજાબના અન્ય બોલરોએ સ્થિતિ સંભાળી લીધી હતી. 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમ એક સમયે સંકટમાં મુકાઈ હતી.
માત્ર 8 રનના ગાળામાં 4 વિકેટ ગુમાવી દેતા પંજાબનું મિડલ ઓર્ડર લથડ્યું હતું. જોકે, પોતાનું ડેબ્યૂ કરી રહેલા કૂપર કોનોલીએ અદભૂત ધીરજ અને આક્રમકતાનું પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 44 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 72 રનની તોફાની ઇનિંગ રમી પંજાબને જીતની નજીક પહોંચાડ્યું હતું. કોનોલીની સાથે પ્રભસિમરન સિંહે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ ઝડપીને પંજાબ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોનોલીની મક્કમ બેટિંગ સામે ગુજરાતના બોલરો લાચાર દેખાયા હતા.
ગુજરાત ટાઈટન્સ વતી પ્રસિદ્ધ કૃષ્ણા સિવાય અશોક શર્મા, સુંદર, રાશિદ ખાન અને રબાડાએ 1-1 વિકેટ ઝડપી હતી. ગુજરાતના બોલરોએ છેલ્લી ઓવર સુધી મેચને જીવંત રાખી હતી, પરંતુ પંજાબના બેટ્સમેનોએ સંયમ જાળવી રાખ્યો હતો. ખાસ કરીને રાશિદ ખાન જેવા દિગ્ગજ બોલર સામે પણ પંજાબે સમજી-વિચારીને રન બનાવ્યા હતા. આ જીત સાથે પંજાબ કિંગ્સે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે.