48 વર્ષની પ્રતીક્ષાનો અંત....જગન્નાથજી મંદિરના ખજાનાની ગણતરી શરૂ, રત્ન ભંડારમાં કેટલું સોનું?
વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથ મંદિરના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. રત્ન ભંડારમાં રહેલા રહસ્યમય અને અખૂટ ખજાનાને લઈને ચાલી રહેલી દાયકાઓની ઉત્તેજનાનો આખરે અંત આવ્યો છે. ઓડિશા સરકાર અને મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય મુજબ, 48 વર્ષના લાંબા ગાળા બાદ રત્ન ભંડારના તાળા ખોલીને તેમાં રહેલી સંપત્તિની ગણતરી કરવાની પ્રક્રિયા વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવી છે. મંદિર સંચાલન સમિતિના જણાવ્યા અનુસાર, ગણતરીની આ પવિત્ર અને ગુપ્ત પ્રક્રિયા બુધવારે બપોરે 12:09 કલાક થી 1:45 કલાક વચ્ચેના શુભ મુહૂર્તમાં શરૂ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઓપરેશન અત્યંત સંવેદનશીલ હોવાથી તેને ચુસ્ત સુરક્ષા ઘેરા વચ્ચે પાર પાડવામાં આવી રહ્યું છે. ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેથી ખજાનાની સુરક્ષા અને સ્થિતિ જાણી શકાય. રત્ન ભંડારની અંદર પ્રવેશવા માટે માત્ર ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી સત્તાવાર વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. આ ગણતરી પ્રક્રિયા દરમિયાન મંદિરના રોજિંદા રીતિ-રિવાજો, પૂજાપાઠ કે શ્રદ્ધાળુઓના દર્શન પર કોઈ જ વિપરીત અસર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
મંદિરનું પરિસર સામાન્ય દિવસોની જેમ જ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે, ઐતિહાસિક રેકોર્ડ મુજબ, આ અગાઉ વર્ષ 1978 માં રત્ન ભંડારમાં રહેલા આભૂષણોની વિગતવાર ગણતરી કરવામાં આવી હતી. તે સમયે આ પ્રક્રિયા ખૂબ જ લાંબી ચાલી હતી અને તેમાં ભગવાનના શણગાર માટે વપરાતા કિંમતી રત્નો અને ધાતુઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી આ ભંડારના આંતરિક ભાગને સુરક્ષિત રીતે બંધ રાખવામાં આવ્યો હતો.
1978 ની ગણતરીના સત્તાવાર આંકડાઓ મુજબ, તે સમયે ભંડારમાં 128.38 કિલોગ્રામ વજન ધરાવતા 454 સુવર્ણ આભૂષણો મળી આવ્યા હતા. આ ઉપરાંત, 221.53 કિલોગ્રામ વજનના 293 ચાંદીના વાસણો અને આભૂષણોનો પણ સમાવેશ થતો હતો. આ ખજાનામાં અનેક કિંમતી હીરા, માણેક અને પન્ના જેવા રત્નો પણ જડેલા હતા જેની કિંમત આંકવી અશક્ય હતી. હવે 48 વર્ષ બાદ જ્યારે ફરીથી આ તિજોરીઓ ખુલી છે.
આ ચાર દાયકા દરમિયાન દેશ-વિદેશના ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલું સોનું અને ચાંદી પણ આ ભંડારમાં ઉમેરાયું હોવાની શક્યતા છે. આથી, નવી યાદીમાં સોના-ચાંદીનો આંકડો અગાઉ કરતા ઘણો વધારે હોઈ શકે છે. નોંધનીય છે કે 1978 માં જ્યારે ગણતરી કરવામાં આવી હતી ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થતા આશરે 72 દિવસ જેટલો સમય લાગ્યો હતો. જોકે, આ વખતે ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે, જેના કારણે ગણતરીનું કામ વધુ સચોટ અને ઝડપી રીતે પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગણતરી પૂર્ણ થયા બાદ તેનું ડિજિટલ ઇન્વેન્ટરી પણ તૈયાર કરવામાં આવશે, આ ઐતિહાસિક ક્ષણના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઓડિશા સહિત દેશભરના જગન્નાથ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભગવાનના ખજાના પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે, અને આ પારદર્શક પ્રક્રિયાથી ભવિષ્યમાં મંદિરની સંપત્તિની જાળવણી વધુ સારી રીતે થઈ શકશે તેમ માનવામાં આવે છે.