રાઘવ ચઢ્ઢાની 'પાવર' ઘટી? AAPએ ડેપ્યુટી લીડર પદેથી રજા આપી, જાણો હવે કોને મળી આ મોટી જવાબદારી
આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં પોતાના સંસદીય દળના નેતૃત્વમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. પક્ષના તેજતર્રાર નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણય પક્ષ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યો છે, જેને પગલે રાષ્ટ્રીય રાજકારણમાં અને પક્ષની અંદર અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાઘવ ચઢ્ઢાના સ્થાને હવે પંજાબથી રાજ્યસભા સાંસદ અને જાણીતા શિક્ષણવિદ ડૉ. અશોક કુમાર મિત્તલની નિમણૂક કરવામાં આવી છે.
ડૉ. મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર છે અને વર્ષ 2022માં પક્ષ દ્વારા તેમને ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. પક્ષે તેમની ગંભીર અને તાર્કિક કાર્યશૈલી પર વિશ્વાસ મૂકીને આ મહત્વની જવાબદારી સોંપી છે, જે આગામી સત્રોમાં પક્ષનો પક્ષ મજબૂતીથી રજૂ કરશે. આ ફેરફાર અંગે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર લખીને જાણ કરી દીધી છે. આ પત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવેથી રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પાર્ટીના નેતા તરીકે બોલવાની તક આપવામાં ન આવે. આ સૂચનાનો સીધો અર્થ એ છે કે રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાના બોલવાના સમય પર કાતર ફેરવી દેવામાં આવી છે અને તેમનું સંસદીય કદ ઘટાડવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે.
સંસદના અગાઉના સત્રો દરમિયાન તેમણે કૃષિ, શિક્ષણ અને આર્થિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક રજૂઆત કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. પક્ષનું માનવું છે કે અશોક મિત્તલના નેતૃત્વમાં રાજ્યસભામાં પક્ષનો એજન્ડા વધુ અસરકારક રીતે અને મર્યાદિત રહીને રજૂ કરી શકાશે. આ ઘટનાક્રમને આમ આદમી પાર્ટીની નવી રણનીતિનો ભાગ ગણાવી રહ્યા છે. રાઘવ ચઢ્ઢા જેવા યુવા ચહેરાને મહત્વના પદેથી દૂર કરવા એ પક્ષની અંદર ચાલી રહેલા આંતરિક અસંતોષ અથવા નેતૃત્વના બદલાતા સમીકરણો તરફ ઈશારો કરે છે. હવે જોવાનું એ રહેશે કે રાઘવ ચઢ્ઢા આ ફેરફાર બાદ પક્ષમાં કઈ ભૂમિકામાં જોવા મળશે અને ડૉ. મિત્તલ નવી જવાબદારીમાં કેટલા સફળ નીવડશે.