April 4, 2026
રાજનીતિ

"ઘાયલ છું એટલે ઘાતક છું"....રાઘવ ચઢ્ઢાના એક થંબનેલે સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો

02:56:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>"ઘાયલ છું એટલે ઘાતક છું"....</strong></span>રાઘવ ચઢ્ઢાના એક થંબનેલે સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો</p>

આમ આદમી પાર્ટીના યુવા અને પ્રભાવશાળી નેતા રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે બંડ પોકાર્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લાંબા સમયની શાંતિ બાદ તેમણે એક વીડિયો જાહેર કરીને પક્ષના નેતૃત્વ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. "ઘાયલ છું એટલે ઘાતક છું" ના સ્લોગન સાથે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે અન્યાય સામે ચૂપ બેસવાના નથી અને આરપારની લડાઈ માટે તૈયાર છે. રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી તેમની વિરુદ્ધ એક સુનિયોજિત અને 'સ્ક્રિપ્ટેડ કેમ્પેઈન' ચલાવવામાં આવી રહ્યું છે. 

આ કોઈ સામાન્ય વિરોધ નથી, પરંતુ તેમને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાનું એક પૂર્વઆયોજિત કાવતરું છે. પાર્ટી દ્વારા રાઘવ ચઢ્ઢા પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે આખું વિપક્ષ સંસદમાંથી વૉકઆઉટ કરી રહ્યું હતું, ત્યારે તેઓ સદનમાં જ બેસી રહ્યા હતા અને વિપક્ષનો સાથ આપ્યો ન હતો. આ મુદ્દે વળતો પ્રહાર કરતા રાઘવે કહ્યું કે આ આરોપ તદ્દન જૂઠો અને પાયાવિહોણો છે. તેમણે AAP ને પડકાર ફેંક્યો છે કે તેઓ એક પણ એવો કિસ્સો સાબિત કરી બતાવે જેમાં તેમણે વિપક્ષનો સાથ છોડ્યો હોય. પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે રાઘવ ચઢ્ઢાએ ટેકનિકલ પુરાવાઓનો સહારો લીધો છે.

તેમણે સંસદના CCTV ફૂટેજ તપાસવાનો ખુલ્લો પડકાર આપતા કહ્યું કે સંસદમાં દરેક જગ્યાએ કેમેરા લાગેલા હોય છે અને કાર્યવાહી રેકોર્ડ થયેલી હોય છે. ફૂટેજ ચેક કરવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે ક્યારે રાઘવે વિપક્ષનો સાથ છોડ્યો છે અને ક્યારે નહીં. વીડિયોમાં રાઘવ ચઢ્ઢા ભાવુક દેખાયા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ ત્રણ ખોટા આરોપોને કારણે જ તેમને સંસદમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા. એક ચૂંટાયેલા સાંસદ તરીકે તેમને પોતાની વાત રજૂ કરવાની તક ન આપવી એ લોકશાહીનું અપમાન છે.

છેલ્લા કેટલાક સમયથી તેમની સક્રિયતાને લઈને જે અટકળો ચાલતી હતી, તે આ વીડિયો બાદ હવે ખુલીને સામે આવી ગઈ છે. રાઘવ ચઢ્ઢાના આ વિસ્ફોટક વીડિયોએ દિલ્હી અને પંજાબના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે. આમ આદમી પાર્ટી માટે આ સ્થિતિ કપરી સાબિત થઈ શકે છે, કારણ કે રાઘવ ચઢ્ઢા પક્ષનો એક મહત્વનો રાષ્ટ્રીય ચહેરો રહ્યા છે. આ ઘટનાક્રમ બાદ હવે જોવાનું એ રહેશે કે પાર્ટી હાઈકમાન્ડ આ આંતરિક વિખવાદને ડામવા શું પગલાં ભરે છે કે પછી આ લડાઈ નવો વળાંક લે છે.