'આપ'માં મારા સાથીદારોને, પિક્ચર અભી બાકી હૈ': પંજાબ એજન્ડા વિવાદ પર રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટીની અંદર ચાલી રહેલો આંતરિક તણાવ હવે જાહેરમાં આવી ગયો છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમની જ પાર્ટીના સાથીદારો દ્વારા પંજાબના મુદ્દાઓ સંસદમાં ન ઉઠાવવા અંગે લગાવેલા આરોપોનો ખુલ્લેઆમ અને આકરો જવાબ આપ્યો છે. રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચઢ્ઢાએ પોતાની સામેના આરોપોને 'સ્ક્રીપ્ટેડ કાવતરું' ગણાવીને પંજાબ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા સ્પષ્ટ કરી હતી.
'આ માત્ર ટ્રેલર છે... પિક્ચર અભી બાકી હૈ'
પ્રાપ્ત માહિતી અનુસાર, રાઘવ ચઢ્ઢાએ રવિવારે 5 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર રાજ્યસભાની એક વીડિયો ક્લિપ શેર કરી હતી, જેમાં તેઓ પંજાબ સંબંધિત મુદ્દાઓ ઉઠાવતા જોવા મળે છે. પક્ષના નેતાઓને જવાબ આપતા તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "આપ (AAP) માં મારા તે સાથીદારોને જેમને એવું કહેતા વીડિયો જારી કરવાની ફરજ પાડવામાં આવી હતી કે હું સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છું, તેમના માટે અહીં એક નાનું ટ્રેલર છે... પિક્ચર અભી બાકી હૈ." ચઢ્ઢાએ ભારપૂર્વક જણાવ્યું કે પંજાબ તેમના માટે માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ તે તેમનું ઘર, તેમની ફરજ, તેમની માટી અને તેમનો આત્મા છે.
'વારંવાર પુનરાવર્તિત જૂઠ સત્ય ન બની જાય એટલે બોલ્યો'
રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવવામાં આવ્યા બાદ ચઢ્ઢાએ શનિવારે પણ આ આરોપોનો સીધો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "હું બોલવા માંગતો ન હતો, પરંતુ જો હું શાંત રહ્યો હોત, તો વારંવાર પુનરાવર્તિત જૂઠ પણ સત્ય જેવું લાગવા માંડત. મારી સામે ત્રણ આરોપો છે અને તેમાં શૂન્ય સત્ય છે." ચઢ્ઢાએ પોતાની સામેના આક્ષેપોને એક સંકલિત હુમલો ગણાવતા કહ્યું હતું કે સમાન પ્રશ્નો અને સમાન આરોપો કોઈ સંયોગ નથી.
વિપક્ષને ટેકો ન આપવાના દાવાને 'સફેદ જૂઠ' ગણાવ્યું
સંસદમાં વોકઆઉટ દરમિયાન વિપક્ષને ટેકો ન આપ્યો હોવાના પાર્ટીના દાવાને પણ ચઢ્ઢાએ મજબૂતાઈથી પડકાર્યો હતો. તેમણે આ દાવાને રદિયો આપતા સ્પષ્ટ કહ્યું કે, "આ સફેદ જૂઠ છે. સંસદની ચારે બાજુ CCTV કેમેરા લાગેલા છે. કોઈપણ વ્યક્તિ સાચો જવાબ મેળવવા માટે તે ફૂટેજ ચકાસી શકે છે."