કોંગ્રેસ સત્તામાં આવશે તો કાર્બી આંગલોંગમાં કલમ 244(a) લાગુ કરીશું: આસામમાં રાહુલ ગાંધીનું મોટું વચન
આગામી આસામ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આસામના પ્રવાસે પહોંચીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આસામના કાર્બી આંગલોંગ વિસ્તાર માટે એક મોટી જાહેરાત કરતા વચન આપ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં પાછી ફરશે તો આ વિસ્તારમાં કલમ 244(a) લાગુ કરવામાં આવશે.
આસામ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ
રાહુલ ગાંધી હાલમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા માટે આસામના પ્રવાસે છે. તેઓ ખાસ કરીને કાર્બી આંગલોંગ અને જોરહાટ વિસ્તારમાં સઘન પ્રચાર કરી રહ્યા છે. આ ક્રમમાં તેમણે કાર્બી આંગલોંગ જિલ્લાના બોકાજન ખાતે એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી અને સ્થાનિક જનતા સમક્ષ પાર્ટીનું વિઝન રજૂ કર્યું હતું.
કલમ 244(a) અને સત્તાના વિકેન્દ્રીકરણ પર ભાર
બોકાજનની રેલીમાં રાહુલ ગાંધીએ સ્થાનિક લોકોની વર્ષો જૂની માંગને સમર્થન આપતા વચન આપ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનતા જ કાર્બી આંગલોંગમાં બંધારણની કલમ 244(a) નો અમલ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા સત્તાના વિકેન્દ્રીકરણમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે.
'સ્થાનિક નેતાઓએ શાસન કરવું જોઈએ, દિલ્હીના અધિકારીઓએ નહીં'
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ પ્રદેશનું સંચાલન ત્યાંના સ્થાનિક નેતાઓના હાથમાં હોવું જોઈએ, દિલ્હી કે ગુવાહાટીમાં બેઠેલા અધિકારીઓના હાથમાં નહીં. તેમણે કહ્યું કે જમીની અને અર્થપૂર્ણ પરિવર્તન પાયાના સ્તરેથી જ આવવું જોઈએ. આ તકે તેમણે કેન્દ્રની વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીથી આસામ રાજ્યનું સંચાલન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે સ્થાનિક લોકોના હિતમાં નથી.