નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પર વરસાદનું સંકટ: વહીવટી તંત્રની 'વોટરપ્રૂફ' તૈયારીઓ
દેશના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંના એક એવા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે કુદરત આ ભવ્ય કાર્યક્રમમાં વિઘ્ન સંતોષી બને તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે દિલ્હી-NCR સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેણે આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. જોકે, ઉત્તર પ્રદેશ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર આ પડકારને પહોંચી વળવા માટે સજ્જ છે અને કોઈ પણ સંજોગોમાં કાર્યક્રમની ભવ્યતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગનું એલર્ટ અને તંત્રની સજ્જતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 માર્ચથી 31 માર્ચ સુધી નોઈડા, ગ્રેટર નોઈડા અને સમગ્ર દિલ્હી-NCRમાં વરસાદ અને ખરાબ હવામાન રહેવાની શક્યતા છે. વરસાદથી બચવા માટે અંદાજે 12 લાખ સ્ક્વેર ફીટના વિશાળ વિસ્તારમાં અત્યાધુનિક વોટરપ્રૂફ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ હાઈ-ટેક ટેન્ટમાં 2 લાખથી વધુ લોકોના બેસવાની ક્ષમતા છે. કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય અને ફાયર બ્રિગેડની ટીમોને 'એલર્ટ મોડ' પર રાખવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીને જોતા સમગ્ર વિસ્તારને હાઈ સિક્યોરિટી ઝોનમાં ફેરવી દેવાયો છે. ટ્રાફિક ડાયવર્ઝન માટે પણ ખાસ પ્લાનિંગ કરાયું છે જેથી વરસાદમાં પણ વાહનવ્યવહાર ખોરવાય નહીં.
ભવ્ય ઉદ્ઘાટન માટેનો નિર્ધાર
જિલ્લા મેજિસ્ટ્રેટ મેધા રૂપમના જણાવ્યા અનુસાર, હવામાનની પ્રતિકૂળતા છતાં ઉદ્ઘાટન સમારોહ નિયત સમયે અને પૂરી ભવ્યતા સાથે જ યોજાશે. VIP મહેમાનો, મીડિયા અને સામાન્ય જનતા માટે અલગ-અલગ સેક્ટરો બનાવીને આધુનિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વહીવટી તંત્રનો દાવો છે કે ભારે પવન કે વરસાદ પણ આ ઐતિહાસિક ક્ષણને રોકી શકશે નહીં. હવે જોવાનું એ રહે છે કે 28 માર્ચના રોજ કુદરત અને ટેકનોલોજી વચ્ચેના આ જંગમાં એરપોર્ટનું લોકાર્પણ કેટલું યાદગાર બની રહે છે.