રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત, કુવાડવા GIDC પાસે બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર...
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં આજે વહેલી સવારે કુવાડવા GIDC નજીક બે ભારેખમ ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હાઈવે પર ગતિ ભેર પસાર થઈ રહેલા બે ટ્રકો એકબીજા સાથે ધડાકાભેર અથડાતા બંને વાહનોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો, જેને પગલે આસપાસના ફેક્ટરી વિસ્તારોમાંથી શ્રમિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, એક ટ્રક ઉભેલી હાલતમાં હતી અથવા વળાંક લઈ રહી હતી ત્યારે પાછળથી આવતા અન્ય એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. 
અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે અમદાવાદ તરફ જતા વાહનોની કતારો લાગી ગઈ હતી. હાઈવે પર અવારનવાર બનતી આવી ઘટનાઓને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.