April 1, 2026
ગુજરાત

તસ્કરોનો માસ્ટર પ્લાન ફેલ! રાજકોટ અમીત જવેલર્સમાં ચોરી કર્યાના થોડા જ કલાકોમાં પોલીસના હાથે ઝડપાયા આરોપીઓ... 

09:08:00 AM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>તસ્કરોનો માસ્ટર પ્લાન ફેલ! </strong></span>રાજકોટ અમીત જવેલર્સમાં ચોરી કર્યાના થોડા જ કલાકોમાં પોલીસના હાથે ઝડપાયા આરોપીઓ... </p>

રાજકોટના હાર્દ સમાન સોની બજાર વિસ્તારમાં આવેલી ‘અમિત જવેલર્સ’ નામની પેઢીમાં મોડી રાત્રિના સમયે તસ્કરોએ ખાતર પાડી અરેરાટી ફેલાવી દીધી હતી. શહેરના લિમડા ચોક પાસે આવેલા ડિજીબી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા 57 વર્ષીય સોની વેપારી મનિશભાઈ રમણભાઈ રાણપરા ગત 30 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા, ત્યારે મોડી રાત્રે તસ્કરોએ આ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ અત્યંત વ્યવસ્થિત આયોજન સાથે દુકાનના લાકડાના મુખ્ય દરવાજાના ચાર નાના લોક અને એક મોટું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર ઘૂસ્યા બાદ તસ્કરોએ પુરાવા નાશ કરવાના ઈરાદે સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી અને તેમનો મુખ્ય લક્ષ્ય દુકાનમાં રહેલી કિંમતી ઘરેણાં ભરેલી તિજોરી હતી. તસ્કરોએ ભારે જહેમત ઉઠાવી તિજોરી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ મજબૂત સુરક્ષા કવચને કારણે તિજોરી અકબંધ રહી હતી. કિંમતી દાગીના અને મોટી રોકડ હાથમાં ન આવતા આખરે તસ્કરોએ દુકાનમાં રાખેલા અંદાજે 50 હજાર રૂપિયાની કિંમતના બે રોકડ ગણવાના મશીનો ચોરી કરી અંધારામાં ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ થઈ હતી જ્યારે પડોશમાં વેપાર કરતા રમેશભાઈએ દુકાનના તાળા તૂટેલા જોતા તુરંત મનિશભાઈને જાણ કરી હતી. મનિશભાઈ અને તેમનો પુત્ર જય તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અંદરનો નજારો જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો એક્શન મોડમાં આવ્યો હતો. પીઆઈ બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ. રાણા અને એલસીબી ઝોન-2 પીએસઆઈ આર.એચ. ઝાલાની ટીમોએ આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોળવાનું શરૂ કર્યું હતું. જોકે તસ્કરોએ કેમેરા તોડ્યા હતા, પરંતુ પોલીસની ટેકનિકલ તપાસમાં પાંચ સભ્યોની ટોળકી કેદ થઈ ગઈ હતી. 

પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આધુનિક સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ મુંબઈના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ રીઢા તસ્કરોને દબોચી લીધા હતા. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે ચોરી થયેલા બંને કેશ કાઉન્ટિંગ મશીન પણ રિકવર કરી લેવામાં આવ્યા છે. હાલ પોલીસ આ ટોળકીના અન્ય બે સાગરીતોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ મુંબઈ સ્થિત ગેંગે શહેરના અન્ય કોઈ વિસ્તારોમાં રેકી કરી છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે. ભરચક સોની બજારમાં બનેલી આ ઘટનાને પગલે અન્ય વેપારીઓમાં પણ જાગૃતિ અને સુરક્ષાને લઈને ચર્ચાઓ જાગી છે.