દુબઈમાં ઘડાયું લૂંટનું કાવતરું : 5 લાખના કમિશન માટે રાજકોટના આંગડિયા પેઢીના 2 કર્મીઓને બંધક બનાવી 50 લાખ લૂંટ્યા, બે આરોપીની ધરપકડ...
રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે એક એવા આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે જેમાં દુબઈમાં બેસીને રચાયેલા પ્લાન મુજબ રાજકોટની જાણીતી એસ.પી. આંગડિયા પેઢીના બે કર્મચારીઓને જીવના જોખમે બંધક બનાવી રૂ. 50 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરી બંને આરોપીઓને ધરપકડ કરી છે.
ઘટના શું છે?
ફરિયાદ મુજબ, આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાજકોટના સોની બજારમાં આવેલી આંગડિયા પેઢીમાં નોકરી કરતા વિરલ વ્યાસના સાળાના બનેવી વિમલભાઈ પાંધી દુબઈમાં નાણાકીય હેરફેરનું કામ કરે છે. દુબઈમાં તેમનો સંપર્ક વૈભવ પટેલ નામના શખ્સ સાથે થયો હતો, જેણે રાજકોટમાંથી પેમેન્ટ મેળવવાના બદલામાં દુબઈમાં અન્ય પાર્ટીને નાણાં ટ્રાન્સફર કરવાનું કાવતરું ઘડ્યું હતું. ગત 10 નવેમ્બર 2025ના રોજ આ પેમેન્ટ લેવાના બહાને આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓને જામનગર રોડ પર બોલાવ્યા હતા.
DCP જગદીશ બાંગરવા
BMW કારમાં ફિલ્મી ઢબે અપહરણ અને હથિયારની અણીએ લૂંટ
DCP જગદીશ બાંગરવાએ જણાવ્યુ હતું કે, જ્યારે આંગડિયા પેઢીના કર્મચારીઓ વિરલભાઈ અને કિશનભાઈ બજરંગવાડી પાસે પહોંચ્યા ત્યારે આરોપી શબ્બીર ઉર્ફે જાબર જુણેજા અને તેના સાગરીતો BMW કાર લઈને ત્યાં હાજર હતા. કોઈને શંકા ન જાય તે માટે મોંઘીદાટ કારનો ઉપયોગ કરી આરોપીઓએ કર્મચારીઓને વિશ્વાસમાં લઈ અંદર બેસાડ્યા હતા. જોકે, કાર ચાલુ થતાની સાથે જ આરોપીઓએ અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું અને રૂમાલમાં વીંટાળેલું હથિયાર બતાવી તેમના મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. આશરે દોઢ કલાક સુધી શહેરના માર્ગો પર કાર દોડાવીને આરોપીઓએ કર્મચારીઓને બંધક બનાવી રાખ્યા હતા અને સતત દુબઈમાં બેઠેલા પોતાના આકાઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો.
કોડવર્ડની રમત અને પોલીસની કાર્યવાહી
આરોપીઓએ કર્મચારીઓના જીવનું જોખમ ઊભું કરી તેમને ફરજ પાડી હતી કે તેઓ પેઢીના માલિકને ફોન કરીને પેમેન્ટ મળી ગયું હોવાની પુષ્ટિ આપે. ગભરાયેલા કર્મચારીઓએ માલિકને ફોન કરીને 50 લાખ મળી ગયા હોવાનું જણાવ્યું, પરંતુ આરોપીઓએ ચતુરાઈ વાપરીને આંગડિયા પેઢીના અધિકૃત કોડવર્ડ '50 કેજી' ના બદલે '100ના બંડલ ઓકે' એવો મેસેજ ટાઈપ કરાવ્યો હતો. આ કન્ફર્મેશન મળતા જ દુબઈમાં બેઠેલા વિમલભાઈએ સામેની પાર્ટીને 50 લાખ ચૂકવી દીધા હતા. જોકે, અસામાન્ય મેસેજને કારણે માલિકને શંકા ગઈ હતી. જ્યારે વિરલભાઈએ ઓફિસે જઈને હકીકત જણાવી ત્યારે ખબર પડી કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે.
ઝડપાયેલા આરોપીઓ પૈકી શબ્બીર ઉર્ફે જાબર જુણેજા કોઈ સામાન્ય ગુનેગાર નથી, તેનો ભૂતકાળ ગુનાખોરીથી ખરડાયેલો છે. તેની વિરુદ્ધ અગાઉ પણ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ (ગેરકાયદેસર હથિયાર રાખવા) અને જુગારના કેસો નોંધાઈ ચૂક્યા છે.
આ અંગે ફરિયાદ નોંધાતા જ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી કુખ્યાત આરોપી શબ્બીર અને તૌફીક ઉર્ફે પહેલવાનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે માત્ર 5 લાખના કમિશનની લાલચમાં આ ગંભીર ગુનો આચરવામાં આવ્યો હતો.