કારની અંદર નહીં, હવે આગળ બેસીને કર્યો સ્ટંટ, રાજકોટના 'અટલ સરોવર' પાસે નબીરાનો જીવલેણ સ્ટંટબાજીનો વિડીયો વાઇરલ...
રાજકોટના સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા અટલ સરોવર પાસે ફરી એકવાર કાયદાના ભય વગર નબીરાઓનો તરખાટ જોવા મળ્યો છે. શહેરમાં ટ્રાફિકના નિયમો અને સુરક્ષાના માપદંડોને નેવે મૂકીને એક યુવાન દ્વારા ચાલુ કારની આગળના બોનેટ પર બેસીને જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઇરલ થતાં આવા નબીરાઓની માનસિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જાહેર રસ્તા પર અન્ય વાહનોની અવરજવર વચ્ચે આ યુવાન પોતાની અને અન્યોની જિંદગી જોખમમાં મૂકીને માત્ર 'લાઈક્સ' અને 'વ્યુઝ' મેળવવાના મોહમાં આવી હરકતો કરી રહ્યો છે.
રાજકોટમાં અવારનવાર આવા સ્ટંટબાજીના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં યુવાધન ક્ષણિક પ્રસિદ્ધિ માટે મોતના મોઢામાં જતાં પણ અચકાતું નથી. અટલ સરોવર જેવો વિકસિત અને ભીડભાડ વાળો વિસ્તાર હવે આવા નબીરાઓ માટેનું અડ્ડું બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ અગાઉ પણ પોલીસ દ્વારા અનેક કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે, તેમ છતાં આવા તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો હોય તેમ જણાતું નથી.