રાજકોટ : હિસ્ટ્રી શીટર ભાવેશ વાણવી મર્ડર કેસનો મુખ્ય આરોપી હમીર જોગરાણા આખરે પોલીસના સકંજામાં...
રાજકોટના ચકચારી ભાવેશ વાણવી હત્યા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્સને મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલો આ ગુનાનો મુખ્ય આરોપી હમીર જોગરાણા આખરે કાયદાના શરણે આવ્યો છે. ગત 16 તારીખે શહેરના વાતાવરણને ગરમાવનાર આ કરુણ ઘટના બાદ હમીર સતત ફરાર હતો, જેને પકડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ આદરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતા અગાઉ જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હોવાને કારણે મૃતક ભાવેશના પરિવાર અને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ન્યાયની માંગ સાથે દલિત સમાજ દ્વારા રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. 
હિસ્ટ્રી શીટર ભાવેશ વાણવીની હત્યાના આ મામલાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાડી હતી, ત્યારે હવે મુખ્ય આરોપી હમીર જોગરાણાની ધરપકડ થતા આ કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. આ સમગ્ર બનાવની તપાસ હાલ એસસી-એસટી સેલ દ્વારા અત્યંત જીણવટપૂર્વક ચલાવવામાં આવી રહી છે. પોલીસ હવે હમીરની પૂછપરછ કરીને હત્યા પાછળના ચોક્કસ કારણો, હથિયારોની વ્યવસ્થા અને ફરાર રહેવા દરમિયાન તેને કોણે આશરો આપ્યો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરશે. આ ધરપકડ બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે અને આગામી દિવસોમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી શકયતાઓ છે.