"રાજકોટમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે", બોઘરાએ કહ્યું : મનપા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર, વિજય વિશ્વાસ સંમેલન યોજાયો...

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના તમામ 18 વોર્ડ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવતા જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પક્ષમાં ઉભી થયેલી આંતરિક ખેંચતાણ અને કાર્યકરોની નારાજગીને ખાળવા માટે પ્રદેશ નેતાગીરી તાત્કાલિક હરકતમાં આવી હતી. ગત રાત્રિના સમયે શહેર ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે કાર્યકરોએ ઉગ્ર રજૂઆતો કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી, પરંતુ પક્ષ દ્વારા સમજાવટના અંતે હવે તમામ કાર્યકરો ફરી એકજૂથ થઈ 'કેસરીયો' લહેરાવવા માટે સજ્જ થયા છે.
પરિવાર ભાવના સાથે નારાજગીનું નિરાકરણ
રાજકોટ ભાજપના અગ્રણી માધવ દવેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં 'વિજય વિશ્વાસ સંમેલન'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના તમામ 72 ઉમેદવારો અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ગત રાત્રે 'કમલમ' ખાતે ઉમટી પડેલા કાર્યકરોની રજૂઆતોને ખૂબ જ ગંભીરતાથી સાંભળવામાં આવી હતી. અમે દરેક કાર્યકર્તાની લાગણી અને તેમની અપેક્ષાઓને સમજી છે. માધવ દવેએ વધુમાં ઉમેર્યું કે, કાર્યકરો સાથે પરિવાર ભાવનાથી વાતચીત કરવામાં આવી અને તેમને પક્ષના મુખ્ય પ્રવાહમાં ફરીથી સક્રિય કરવાનો સફળ પ્રયાસ કરાયો છે. કાર્યકરોમાં હવે અનેરો ઉત્સાહ છે. અમે વ્યક્તિગત ઈચ્છાઓ કરતા 'કમળ'ના નિશાનને સર્વોપરી માનીને દિલ લગાવીને કામ કરવા તૈયાર છે.
વિજય વિશ્વાસ સંમેલન અને જીતનો હુંકાર
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ મક્કમતા સાથે જણાવ્યું હતું કે, રાજકોટની જનતાના આશીર્વાદ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે. જે કાર્યકરો ટિકિટ ન મળવાને કારણે થોડા નારાજ હતા, તેઓ હવે પક્ષના હિતમાં મેદાને પડ્યા છે. આજે તમામ 72 ઉમેદવારો વિજયના સંકલ્પ સાથે પોતાના ફોર્મ ભરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ કાર્યકર્તાઓ ખભેખભા મિલાવીને કામે લાગશે અને રાજકોટ મનપામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે. આ સંમેલને સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ સંગઠન શક્તિના જોરે આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.