"રાજકોટની જનતા જવાબ આપશે" : મેગા ડીમોલેશન મુદ્દે નારાજ ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવેએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ફોર્મ નિરીક્ષકને સોંપ્યું...
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રક્રિયાના બીજા દિવસે જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 16ના કદાવર નેતા અને પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવ આજે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા, પરંતુ તેમણે ઉમેદવારી નોંધાવવાને બદલે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતું ફોર્મ અને પત્ર સુપરત કરી સૌને ચોંકાવી દીધા હતા. ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂકેલા નરેન્દ્ર ડવે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હવે ચૂંટણી લડવા માંગતા નથી, જે ભાજપ માટે એક મોટા આંચકા સમાન માનવામાં આવી રહ્યો છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ જંગલેશ્વર વિસ્તારમાં તાજેતરમાં કરવામાં આવેલું મેગા ડિમોલેશન હોવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે પણ નરેન્દ્ર ડવે પક્ષની કાર્યપદ્ધતિ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. આજે મીડિયા સાથેની વાતચીતમાં પણ તેમનો આક્રોશ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. તેમણે પક્ષને જણાવ્યું હતું કે, મેગા ડિમોલેશન બાદ જંગલેશ્વર વિસ્તારની સ્થિતિ બદલાઈ છે અને જ્યારે ભાજપના નેતાઓ ત્યાં પ્રચાર કરવા જશે ત્યારે જનતા જ તેમને યોગ્ય જવાબ આપશે. 
નરેન્દ્ર ડવ જેવા પાયાના અને અનુભવી નેતાએ આ રીતે પક્ષ સામે મોરચો માંડતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે. ખાસ કરીને જંગલેશ્વર જેવા સંવેદનશીલ અને મહત્વના વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરની આ નારાજગી આગામી ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.