વિશ્વમાં જેનો ડંકો વાગે તે ગુજરાતીઓ ખડગેની નજરમાં 'અભણ'? અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપના મૌન ધરણા સાથે ખડગે પાસે માફીની માંગ...
કેરળની ધરતી પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને 'અભણ અને મૂર્ખ' કહીને સંબોધવામાં આવતા સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ વિવાદિત ટિપ્પણીના વિરોધમાં રાજકોટના કિસાનપરા ચોક ખાતે ગતરોજ શહેર ભાજપ દ્વારા એક વિશાળ અને આક્રમક મૌન ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ કેસરી ખેસ ધારણ કરી શિસ્તબદ્ધ રીતે ધરણા પર બેસી ગયા હતા. આ પ્રદર્શનમાં કાર્યકરોના હાથમાં રહેલા પ્લેકાર્ડ્સ અને પોસ્ટરો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, "ગુજરાતીઓનું અપમાન જરા પણ સહન કરવામાં આવશે નહીં" અને "ખડગે પોતાના નિવેદન બદલ જાહેર માફી માંગે."
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવે અને ધારાસભ્ય રમેશ ટીલાળાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા સહિતના અનેક હોદ્દેદારોએ હાજરી આપી હતી. ધરણા દરમિયાન નેતાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વર્તમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ જેવા મહાન નેતૃત્વ આપ્યું છે, તે ગુજરાતની પ્રજાને 'મૂર્ખ' કહેવી એ કોંગ્રેસની હતાશા દર્શાવે છે. ગુજરાતીઓ આજે વિશ્વભરમાં આઈટી, બિઝનેસ અને કલાના ક્ષેત્રે અગ્રેસર છે. વિદેશની ધરતી પર પણ ગુજરાતીઓની બુદ્ધિપ્રતિભાનો ડંકો વાગે છે, ત્યારે ખડગેનું આવું નિવેદન કરોડો ગુજરાતીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડનારું છે.
આ વિરોધ પ્રદર્શન માત્ર રાજકીય લડાઈ પૂરતું સીમિત ન રહેતા જનઆક્રોશમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્ય કિસાનપરા ચોક પર જોવા મળ્યું હતું. ભાજપના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમના શબ્દો પાછા નહીં ખેંચે અને ગુજરાતની જનતાની માફી નહીં માંગે ત્યાં સુધી આ આંદોલન આક્રમક રીતે ચાલુ રહેશે. ભાજપના મતે કોંગ્રેસ વારંવાર ગુજરાત વિરોધી માનસિકતા પ્રદર્શિત કરતી આવી છે અને આ નિવેદન તેની પરાકાષ્ઠા સમાન છે. આ પ્રદર્શનના પગલે કિસાનપરા ચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.