April 9, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

રાજકોટ ભાજપમાં ‘વારસદાર’ પોલિટિક્સ: કાર્યકરો જોતા રહ્યા અને પૂર્વ હોદ્દેદારોએ સ્વજનો માટે લોબિંગ શરૂ કર્યું

03:14:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટ ભાજપમાં ‘વારસદાર’ પોલિટિક્સ</strong><strong>: </strong></span>કાર્યકરો જોતા રહ્યા અને પૂર્વ હોદ્દેદારોએ સ્વજનો માટે લોબિંગ શરૂ કર્યું</p>

રાજકોટ શહેરની સ્થાનિક રાજનીતિમાં હાલ ભારતીય જનતા પાર્ટીની અંદર ‘પરિવારવાદ’નો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલી “પરિવારને ટિકિટ નહીં” આપવાની કડક લાઇન હોવા છતાં, રાજકોટના અનેક પીઢ નેતાઓ અને પૂર્વ હોદ્દેદારોએ પોતાના પરિવારજનો માટે ટિકિટની માંગણી બુલંદ કરતા પક્ષમાં આંતરિક ખેંચતાણ અને અસંતોષ સપાટી પર આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી હરહંમેશ પરિવારવાદનો વિરોધ કરતી આવી છે. જોકે, રાજકોટમાં આગામી ચૂંટણીના પૂર્વે જ અનેક પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓએ પોતાના પુત્ર, ભત્રીજા કે પત્નીને રાજકીય મેદાનમાં ઉતારવા માટે લોબિંગ શરૂ કર્યું છે.

આ પરિસ્થિતિને કારણે પક્ષની અંદર એક વિચિત્ર દ્વંદ્વ ઊભો થયો છે. ટિકિટની માંગણી કરનારાઓમાં પૂર્વ મંત્રીઓથી લઈને પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જેમાં પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે પુત્ર કિશન પટેલ માટે, પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાએ પુત્ર જય સાગઠિયા માટે અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ (દાના કુગસિયા) એ પુત્ર જીતુ કુગસિયા માટે દાવેદારી નોંધાવી હોવાની વિગતો ચર્ચાઈ રહી છે.  માત્ર મોટા નેતાઓ જ નહીં, પૂર્વ કોર્પોરેટરો પણ પોતાના વારસદારોને સેટ કરવા તૈયાર છે. રાજુ બોરીચાએ પુત્ર વૈભવ માટે, નીતિન રામાણીએ પ્રિન્સ રામાણી માટે, અને અશ્વિન મોલીયાએ નીરવ મોલીયા માટે ટિકિટ માંગી છે.

આ ઉપરાંત વિનુ ધવા, હરિભાઈ ડાંગર અને પોપટ ટોળિયા જેવા નેતાઓએ પણ પોતાના પુત્રોના નામો આગળ ધર્યા છે. પરિવારવાદની આ યાદીમાં માત્ર પુત્રો જ નહીં, અન્ય સગાંઓનો પણ સમાવેશ થાય છે. ખીમા મકવાણાએ તેમના ભત્રીજા નિલેશ મકવાણા માટે અને અલ્પેશ મોરજરીયાએ તેમની પત્ની અંજના મોરજરીયા માટે ટિકિટની માંગ કરી હોવાનું સામે આવ્યું છે. બાબુ મકવાણાએ પણ તેમના પુત્ર વિજય માટે દાવો રજૂ કર્યો છે. નેતાઓના આ પ્રકારના વલણથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડનારા પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કાર્યકરોનું માનવું છે કે જો માત્ર નેતાઓના સંતાનોને જ ટિકિટ મળતી રહેશે, તો સામાન્ય કાર્યકરની મહેનતની કોઈ કિંમત રહેશે નહીં. હવે જોવાનું એ રહે છે કે ભાજપનું મોવડીમંડળ આ પીઢ નેતાઓના દબાણ સામે ઝૂકે છે કે પછી પોતાની શિસ્ત અને નીતિને વળગી રહીને નવા અને પાયાના કાર્યકરોને તક આપે છે. આગામી દિવસોમાં આ મામલે પક્ષની પ્રદેશ નેતાગીરી કોઈ કડક નિર્ણય લે તેવી પૂરેપૂરી શક્યતા છે.