લો બોલો! સ્માર્ટ બુટલેગરો સામે પોલીસ સુપર-સ્માર્ટ નીકળી, રાજકોટમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડ્પાયેલી ત્રિપુટી જેલના સળિયા પાછળ!...

રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો સતત અવનવી તરકીબો અપનાવી રહ્યા છે, પરંતુ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (DCB)ની સતર્કતાએ વધુ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે DCBની ટીમે રાજકોટના ઢાંઢીયા ગામ પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રાજસ્થાન પાસિંગની એક આઈસર ટ્રક અને તેની સાથે પાઇલટિંગ કરી રહેલી બે લક્ઝુરિયસ કારને આંતરી લીધી હતી. ટ્રકની અંદર છુપાવેલો દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ સફળ ઓપરેશનમાં પોલીસે કુલ ₹31.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વિદેશી દારૂની પેટીઓ, ટ્રાન્સપોર્ટેશન માટે વપરાયેલી આઈસર ટ્રક અને બે કારનો સમાવેશ થાય છે. સ્થળ પરથી પોલીસે ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ દારૂના આ મોટા કન્સાઇનમેન્ટને સલામત સ્થળે પહોંચાડવાની ફિરાકમાં હતા. પોલીસે દારૂની બોટલો અને વાહનો મળીને લાખોની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં રાજકોટ પોલીસ દ્વારા આ મામલે સઘન અને વધુ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને તેના મુખ્ય સૂત્રધારો કોણ છે. આરોપીઓના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સના આધારે આ રેકેટમાં સંકળાયેલા અન્ય નામો પણ બહાર આવવાની શક્યતા છે.
આગામી દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.