April 1, 2026
ક્રાઈમ

રાજકોટના 'બંટી-બબલી' પહેલા દુકાનના ઓટલે નિરાંતે સૂતા, પછી મોપેડનું લોક તોડી થયા રફુચક્કર!

03:21:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટના 'બંટી-બબલી' પહેલા દુકાનના ઓટલે નિરાંતે સૂતા</strong></span>, પછી મોપેડનું લોક તોડી થયા રફુચક્કર!</p>

રાજકોટ શહેરમાં વાહન ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે શહેરના  ન્યૂ જાગનાથ વિસ્તારમાં એક અજીબ કહી શકાય તેવી ચોરીની ઘટના સામે આવી છે. અહીં એક યુવક અને યુવતીની જોડી, જે ‘બંટી-બબલી’ તરીકે ઓળખાઈ રહી છે, તેમણે રાત્રિના અંધારામાં એક દુકાન બહાર પાર્ક કરેલા મોપેડની ચોરી કરી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાની વિગત મુજબ, ન્યૂ જાગનાથ-25માં આવેલી એક દુકાનના માલિકે પોતાનું મોપેડ રાબેતા મુજબ દુકાનની બહાર પાર્ક કર્યું હતું.

રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને એક યુવક અને એક યુવતી ત્યાં પહોંચ્યા હતા. ચોરી કરવાના ઈરાદે આવેલા આ બંને શખ્સોએ પકડાઈ જવાના ડર વગર પહેલા દુકાનના ઓટલા પર સૂઈ જવાનો ડોળ કર્યો હતો, જેથી આવતા-જતા કોઈને શંકા ન જાય. થોડીવાર ઓટલા પર આરામ કર્યા બાદ અને આસપાસ કોઈ ન હોવાની ખાતરી કર્યા પછી, આ જોડી એક્શન મોડમાં આવી હતી. અત્યંત કુશળતાપૂર્વક મોપેડના હેન્ડલનું લોક તોડી નાખ્યું હતું. લોક તૂટ્યા બાદ બંને જણા મોપેડ લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

સવારે જ્યારે દુકાન માલિકે પોતાનું વાહન ગુમ જોયું ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. દુકાન માલિકની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે, હાલમાં રાજકોટ પોલીસે આ ‘બંટી-બબલી’ની જોડીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. આગામી સમયમાં આ જોડી પકડાતા અન્ય કેટલીક વાહન ચોરીના ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.