લગ્નમાં તો વરરાજો ઘોડા પર બેસે, પણ રાજકોટમાં ઉમેદવાર ઘોડી પર ચડીને નીકળ્યા ફોર્મ ભરવા !, કોંગ્રેસ ઉમેદવાર રણજીત મુંધવા ઘોડી પર સવાર થઈને પહોંચ્યા...

સામાન્ય રીતે લગ્નપ્રસંગે વરરાજો ઘોડા પર સવાર થઈને પરણવા જતો હોય છે, પરંતુ રાજકોટમાં આજે લોકશાહીના પર્વમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવા વરરાજાની અદામાં ઘોડી પર સવાર થઈને કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ઢોલ-નગારાના તાલે અને સમર્થકોના ઉત્સાહ વચ્ચે રણજીત મુંધવાની આ અનોખી 'સવારી' આખા શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે બરાબરનો જામ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ઉમેદવારો પોતાની આગવી શૈલીમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યારે વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવા પરંપરાગત રીતે ઘોડી પર સવાર થઈને પોતાનું નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા. ઢોલ-નગારાના નાદ અને સમર્થકોના ઉત્સાહ વચ્ચે રણજીત મુંધવાની આ 'શાહી એન્ટ્રી' આખા શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા જ તેમણે આ પ્રકારે લોકોનું ધ્યાન ખેંચીને પ્રચારના શ્રીગણેશ કર્યા છે.
રણજીત મુંધવા
રણજીત મુંધવાએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે તેઓ વોર્ડ નંબર 8ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સ્થાનિક વિસ્તારના લોકો અનેક પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. જો જનતા તેમને વિજયી બનાવશે, તો પ્રાથમિક સુવિધાઓ જેવી કે શુદ્ધ પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પાકા રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને સત્વરે ઉકેલવામાં આવશે. વોર્ડના નાગરકોને પડતી હાલાકી દૂર કરવી એ જ તેમનું મુખ્ય લક્ષ્ય છે.
ચૂંટણીના આ જંગમાં કોંગ્રેસે આ વખતે સ્થાનિક ચહેરાઓ પર ભરોસો મૂક્યો છે, ત્યારે રણજીત મુંધવાએ ઘોડી પર બેસીને કલેક્ટર કચેરી પહોંચી એક નવો જ ઉત્સાહ કાર્યકરોમાં ભર્યો છે. સમર્થકોએ કોંગ્રેસના ઝંડા અને સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી દીધું હતું. રાજકોટની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી હોવાનો દાવો પણ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 8 બેઠક હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોય તેમ લાગે છે. આજની આ ઘોડી સવારીએ રાજકોટના રાજકારણમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.