નામ મોટા અને દર્શન ખોટા! કલેક્ટર કચેરીમાં તોડબાજીના ખેલમાં 'ફિરોઝભાઈ' કોણ? વીડિયોમાં પટ્ટાવાળાના ખુલાસાથી ફફડાટ
રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચાર અને તોડબાજીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કચેરીનો એક કર્મચારી અરજદારો પાસેથી કામ કરાવવાના બહાને નાણાંની ઉઘરાણી કરતો અને તોડબાજી કરતો સ્પષ્ટપણે કેમેરામાં કેદ થયો છે. આ ઘટનાને પગલે સરકારી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ વાયરલ વીડિયો તંત્રના ધ્યાન પર આવતા જ ડેપ્યુટી કલેક્ટરે તાત્કાલિક એક્શન લીધા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો અત્યંત ગંભીર છે અને સરકારી કચેરીની છબી ખરડાવનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં.
વાયરલ વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા પટ્ટાવાળા હિરેન ચૌહાણ તરીકે થઈ છે. ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત જણાતા હિરેન ચૌહાણને તાત્કાલિક અસરથી નોકરીમાંથી મુક્ત (છૂટો) કરી દેવામાં આવ્યો છે. તેની સામે શિસ્તભંગના પગલાં પણ લેવાઈ રહ્યા છે.આ વાયરલ વીડિયોની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પટ્ટાવાળો હિરેન ચૌહાણ નાણાંની માંગણી કરતી વખતે તેના ઉપરી અધિકારી તરીકે 'કચેરી અધિક્ષક ફિરોઝભાઈ'ના નામનો ઉલ્લેખ કરતો સંભળાય છે.
પટ્ટાવાળાએ અધિકારીના નામે તોડબાજી કરી છે કે પછી તેમાં અધિકારીની પણ સંડોવણી છે, તે હવે તપાસનો વિષય બન્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર પટ્ટાવાળાને છૂટો કરીને તપાસ અટકશે નહીં. જો તપાસ દરમિયાન અન્ય કોઈ કાયમી કર્મચારી કે ઉચ્ચ અધિકારીની સંડોવણી સામે આવશે, તો તેમના વિરુદ્ધ પણ કડક ખાતાકીય પગલાં લેવામાં આવશે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે.આગામી દિવસોમાં આ તપાસના રિપોર્ટના આધારે વધુ કેટલાક કર્મચારીઓ કે અધિકારીઓ પર ગાજ પડે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
ઘટના શું હતી ?
રાજકોટની જૂની કલેકટર કચેરીમાં આવેલી નાયબ કલેક્ટર ગ્રામ્ય-2 હેઠળની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગની કચેરી હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક ચોંકાવનારા વિડિયોમાં આ કચેરીનો એક આઉટસોર્સ કર્મચારી અરજદાર પાસેથી કામ પતાવવાના બદલામાં ખુલ્લેઆમ લાંચની માંગણી કરતો નજરે પડે છે. જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવેલા આ વિડિયોએ સરકારી કચેરીઓમાં ચાલતી 'ટેબલ નીચેની લેતીદેતીનો પર્દાફાશ કર્યો છે. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અરજદાર પાસેથી ₹5000ની માંગણી કરવામાં આવે છે અને પ્રાથમિક તબક્કે ₹2000 રોકડા સ્વીકારવામાં આવે છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સામાન્ય જનતાના કામો કરવામાં તંત્ર કેટલું ખરડાયેલું છે.
આ કચેરીમાં ભ્રષ્ટાચારની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત રીતે ચાલતી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ અરજદાર પોતાની ફાઈલ કે કામ લઈને અહીં આવે છે, ત્યારે તેને સીધો જવાબ આપવાને બદલે એકથી બે મહિના સુધી ખોટી રીતે ધક્કા ખવડાવવામાં આવે છે અને લાંબી તારીખો આપવામાં આવે છે. જ્યારે અરજદાર કચેરીના ચક્કર કાપીને કંટાળી જાય, ત્યારે કર્મચારીઓ દ્વારા "અમારું કંઈક સમજો " કહીને લાંચની પેશકશ કરવામાં આવે છે. આ એક એવી પૉલિસી બની ગઈ છે જેમાં મજબૂર અરજદારે પોતાનું કાયદેસરનું કામ કરાવવા માટે પણ ₹5000 જેવી રકમ તો તૈયાર જ રાખવી પડે છે. આ આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ભ્રષ્ટ કર્મચારીઓની દૈનિક અને માસિક કમાણી જિલ્લા કલેકટરના પગાર કરતા પણ ક્યાંય વધારે હશે.
વિડિયોમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ ભ્રષ્ટાચારમાં માત્ર આઉટસોર્સ કર્મચારી જ નહીં, પરંતુ કચેરીના કાયમી સહ-કર્મચારીઓ પણ સંકળાયેલા છે. વાતચીત દરમિયાન કર્મચારી 'ફિરોઝ' નામના વ્યક્તિનો ઉલ્લેખ કરે છે અને તેને પોતાના સાહેબ ગણાવે છે. આ બાબત સૂચવે છે કે આ આખું રેકેટ ભાગીદારીમાં ચાલી રહ્યું છે. હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ આ મામલે કેવા કડક પગલાં ભરે છે. શું આ ભ્રષ્ટ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે, કે પછી દર વખતની જેમ તપાસના નામે આ આખા કૌભાંડ પર ભીનું સંકેલી લેવામાં આવશે? હાલ તો આ વાઇરલ વિડિયોએ રાજકોટના સરકારી આલમમાં ભારે ચર્ચા જગાવી છે.