રાજકોટમાં DCP જગદીશ બાંગરવાના સમર્થનમાં જનસેલાબ ઉમટ્યો : 'પોલીસ ઈઝ ધ બેસ્ટ'ના પોસ્ટરો સાથે ભવ્ય રેલી યોજાઈ
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના ચગડોળે ચડેલા કથિત પત્રકાર દ્વારા DCP જગદીશ બાંગરવા પર માર મારવાના આક્ષેપ બાદ આજે શહેરના વાતાવરણમાં એક નવો વળાંક જોવા મળ્યો હતો. DCP જગદીશ બાંગરવાની પ્રમાણિકતા અને તેમની કડક કાર્યશૈલીના સમર્થનમાં આજે રાજકોટના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. એક તરફ જ્યારે આક્ષેપોની રાજનીતિ ગરમાઈ રહી હતી, ત્યારે બીજી તરફ જનતાએ એકસૂરે પોલીસ પ્રશાસન પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કરતા ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં ‘પોલીસ સમન્વય’, ‘ઈસ્ટ ઓર વેસ્ટ, ગુજરાત પોલીસ ઈઝ ધ બેસ્ટ’ જેવા લખાણ ધરાવતા પોસ્ટરો જોવા મળ્યા હતા, જે શહેરની શાંતિ અને સલામતી જાળવવામાં પોલીસના ફાળાને બિરદાવી રહ્યા હતા.
પ્રફુલભાઈ વૈષ્ણવ
આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે વાતાવરણ 'ભારત માતા કી જય'ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. સમર્થકોના આ વિશાળ સમૂહે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવનારા અધિકારીઓનું મનોબળ તૂટવું જોઈએ નહીં. રેલીમાં જોડાયેલા પ્રફુલભાઈ વૈષ્ણવએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકોટ પોલીસની કામગીરી અત્યંત પ્રશંસનીય છે અને ખાસ કરીને DCP જગદીશ બાંગરવાની કડક છાપને કારણે સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના વધી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસની સક્રિયતાને કારણે હવે શહેરમાં ગુંડાતત્વોનો ડર રહ્યો નથી અને લોકો નિર્ભય બનીને હરી-ફરી શકે છે, માટે કોઈ પણ પાયાવિહોણા આક્ષેપોને આધારે નિષ્ઠાવાન અધિકારીને નિશાન બનાવવા જોઈએ નહીં.
સમગ્ર રેલી દરમિયાન લોકોનો ઉત્સાહ અને પોલીસ પ્રત્યેનો આદર સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. કથિત પત્રકાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સામે જનતાએ જે રીતે રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે, તે ઘટના હવે પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત સમન્વયના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. રજૂઆત બાદ વહીવટી તંત્ર અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ પણ નાગરિકોની વાતને ગંભીરતાથી સાંભળી હતી. રાજકોટના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જો કોઈ અધિકારી નિષ્ઠાથી કામ કરે, તો જનતા તેની પડખે અડીખમ ઉભી રહે છે.