સુરત-વડોદરામાં ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી શરૂ, તો રાજકોટમાં કેમ નહિ? સિવિલમાં કામગીરી શરૂ ન થતા યાત્રિકો મુશ્કેલીમાં...

બાબા બરફાનીના દર્શન કરવાની અતૂટ શ્રદ્ધા સાથે અમરનાથ યાત્રાએ જવા ઉત્સુક રાજકોટના શ્રદ્ધાળુઓ અત્યારે વહીવટી તંત્રની ઢીલી નીતિને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા યાત્રા માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રિકો ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે હોસ્પિટલના કેસ બારી પર ઉમટી પડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પ્રશાસન પાસે કોઈ સ્પષ્ટ સૂચના ન હોવાથી યાત્રિકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ નિરાશ થઈ પરત ફરવું પડ્યું હતું.
માધવભાઈ પંડ્યા
છેલ્લા 15 વર્ષથી સતત અમરનાથ યાત્રા કરતા અનુભવી શ્રદ્ધાળુ માધવભાઈ પંડ્યાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લાં 15 વર્ષથી અમરનાથ યાત્રા કરું છું. દરવર્ષે શ્રાઈન બોર્ડની ગાઈડ લાઇન પ્રમાણે ફિટનેસ સર્ટિફિકેટની જરૂરિયાત હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલનું નામ આવે છે. અને ત્યાં જ અમે મેડિકલ કરાવીએ છીએ. સાથોસાથ અધિકારીઓનો સારો એવો સાથ સહકાર મળે છે. આ વર્ષે અમરનાથ શ્રાઈન બોર્ડની ગાઈડ લાઇન પ્રમાણે નવું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ શરૂ થયું છે. અમે અધિકારીઓની સાથે વાત પણ કરી હતી. પણ તેમની પાસે કોઈ માહિતી ન હોવાના કારણે તેમણે ફિટનેસ સર્ટિફિકેટ શરૂ કર્યું નથી. તેઓનું એવું કહેવાનું છે કે અમને સૂચના મળશે પછી શરૂ કરશું. અમે સવારથી કેસ બારી પર ઊભા છે અહિયાં યાત્રિકો હેરાન થાય છે. કોઈ જવાબ ન મળવાને કારણે પરેશાન. ધોરાજી,બરોડા,અમદાવાદ અને સુરતમાં અતિયારે સર્ટિફિકેટ શરૂ થઈ ગયું છે. રાજકોટમાં શરૂ નથી થયું. 
નોંધનીય છે કે અમરનાથ યાત્રા અત્યંત દુર્ગમ ચઢાણવાળી હોવાથી શ્રાઈન બોર્ડ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટને અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ વગર યાત્રાનું રજિસ્ટ્રેશન શક્ય નથી, જેના કારણે રાજકોટના સેંકડો યાત્રિકોનું રજિસ્ટ્રેશન અટકી પડવાની ભીતિ સેવાઈ રહી છે. સવારના સમયે જ્યારે દૂર-દૂરથી લોકો સિવિલ પહોંચ્યા ત્યારે તેમને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે હજુ સુધી ઉપરથી કોઈ ઓર્ડર આવ્યો નથી. ત્યારે બીજી તરફ પાડોશી તાલુકા ધોરાજીમાં કામગીરી શરૂ થઈ ગઈ હોવા છતાં રાજકોટ જેવા મોટા જિલ્લા મથકે તંત્ર કેમ અજાણ છે તે એક મોટો પ્રશ્ન છે. યાત્રિકોની માગ છે કે વહેલી તકે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે જેથી તેઓ સમયસર પોતાની યાત્રાનું આયોજન કરી શકે.