રજાઓના કારણે સર્જાયું મિસ મેનેજમેન્ટ, હવે નહીં રહે અછત : પેટ્રોલ ડીઝલ એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીનું નિવેદન...
રાજકોટમાં છેલ્લા બે દિવસથી સર્જાયેલી પેટ્રોલ-ડીઝલની અછતને પગલે વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી, ત્યારે આ મામલે આજે રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશન અને પેટ્રોલ ડીઝલ એસોસિએશન ફેડરેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ IOCના અધિકારીઓએ બાહેંધરી આપી છે કે આગામી સમયમાં ઇંધણની કોઈ અછત નહીં રહે. તેમણે જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારની રજાઓના કારણે ટ્રાન્સપોર્ટેશન અને સપ્લાય ચેઈનમાં થોડું મિસ મેનેજમેન્ટ સર્જાયું હતું, જેના કારણે કેટલાક પંપો પર સ્ટોક ખાલી થઈ ગયો હતો. પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને જથ્થાની સપ્લાયમાં કોઈ કમી આવવા દેવામાં આવશે નહીં.
સૌરાષ્ટ્રભરમાં ઇન્ડિયન ઓઇલના અંદાજે 1000 જેટલા પેટ્રોલ પંપો કાર્યરત છે, જેમાંથી હાલમાં રાજકોટના 6 જેટલા પંપો સ્ટોકના અભાવે તદ્દન બંધ હાલતમાં છે. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે IOCના અધિકારીઓએ તમામ ડીલરોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ પોતાની દૈનિક જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલનો માલ અગાઉથી મંગાવી લે, જેથી ગ્રાહકોને હાલાકી ન ભોગવવી પડે. અધિકારીઓએ ખાતરી આપી છે કે પુરવઠો પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અને આવતીકાલ સાંજ સુધીમાં તમામ પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો પહોંચી જશે, પરિણામે વાહનચાલકોએ ગભરાવાની કે ખોટો સંગ્રહ કરવાની જરૂર નથી.