આખરે આવ્યા કાયદામાં: રાજકોટમાં અનેક ગુના આચરનાર ટોળકીઓ આખરે આવી કાયદાના સકંજામાં, બે કુખ્યાત ગેંગના 12 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી રીઢા ગુનેગારો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી સક્રિય અને આતંક મચાવતી બે કુખ્યાત ટોળકીઓ 'ઈમલા ગેંગ' અને 'કાળિયો ગેંગ' વિરુદ્ધ પોલીસે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધીને એક મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. પોલીસની આ તવાઈને પગલે પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટને તોડવા માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે.
ઈમલા ગેંગની વાત કરવામાં આવે તો, આ ગેંગના કુલ 8 સભ્યોમાંથી 6 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઈરફાન ઉર્ફે ઈક્કુ અને ઈમરાન ઉર્ફે ઈમલા છે, જેમની સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ રેકોર્ડ મુજબ, ઈમલા ગેંગના સભ્યો વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, ધાકધમકી અને પ્રોહિબિશન સહિતના કુલ 23 જેટલા ગુનાઓ અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે. આ ટોળકી સંગઠિત રીતે ગુનાખોરી આચરીને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરતી હતી, પરંતુ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થતા હવે આ ગુનેગારો માટે જેલના સળિયા પાછળ લાંબો સમય વિતાવવો પડશે તે નિશ્ચિત બન્યું છે.
બીજી તરફ, રાજકોટ ગ્રામ્ય પોલીસે 'કાળિયો ગેંગ' વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરી છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે કાળિયો છે, જે પોતાના સાગરીતો સાથે મળીને ગંભીર ગુનાઓને અંજામ આપતો હતો. કાળિયો ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે, જેમની સામે હત્યા, ગંભીર ઈજા પહોંચાડવી અને દારૂબંધીના ભંગ જેવા કુલ 47 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગની ખાસિયત તેની અનોખી મોડસ ઓપરેન્ડી હતી. તેઓ કોઈપણ પ્રકારની રેકી કર્યા વગર સીધા જ બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પોલીસની આ આકરી કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરીના ગ્રાફમાં ઘટાડો થશે અને લોકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બનશે તેવી આશા સેવાઈ રહી છે.