'તેને ખબર જ નથી કોને ટિકિટ આપવી', : ટિકિટ કપાતા રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાનું નિવેદન, જેનીબેન ઠુમર પર ગંભીર આક્ષેપો...
રાજકોટમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે જ કોંગ્રેસ પક્ષમાં ભડકો જોવા મળી રહ્યો છે. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, પરંતુ તેની સાથે જ આંતરિક જૂથવાદ અને નારાજગીના સૂર પણ સપાટી પર આવ્યા છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેમણે ખુલ્લેઆમ પોતાનો રોષ ઠાલવ્યો છે. જાડેજાએ મીડિયા સમક્ષ આકરા તેવર બતાવતા પક્ષના આંતરિક માળખા અને ખાસ કરીને પ્રભારીની કાર્યપદ્ધતિ સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કાર્યકરોમાં પણ બે ફાટા પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ઘનશ્યામસિંહ જાડેજાએ સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજકોટ કોંગ્રેસના પ્રભારી જેનીબેન ઠુમર પક્ષના હિતમાં નિર્ણય લેવાને બદલે જ્ઞાતિવાદનું રાજકારણ રમી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ટિકિટની વહેંચણીમાં લાયકાત કે પાયાના કાર્યકરની લોકચાહના જોવાને બદલે માત્ર જ્ઞાતિના સમીકરણોને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેનીબેન ઠુમર પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું હતું કે, પ્રભારીને એ પણ ખ્યાલ નથી કે કોને ટિકિટ આપવી જોઈએ અને કોને નહીં. પક્ષના પાયાના મજબૂત ઉમેદવારની અવગણના કરીને જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપવાથી સંગઠનને મોટું નુકસાન થઈ શકે છે.
પોતાની લોકપ્રિયતાનો દાવો કરતા પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે, વિસ્તારમાં તેમની મજબૂત પકડ છે અને લોકોનો બહોળો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે. ટિકિટ કપાયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો અને સ્થાનિક લોકો સ્વયંભૂ રીતે વિરોધ નોંધાવવા બહાર આવી રહ્યા છે. જાડેજાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમણે આ બાબતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે પક્ષે જે તે વિસ્તારની ભૌગોલિક અને સામાજિક સ્થિતિથી વાકેફ હોય તેવા જાણકાર વ્યક્તિને જ પ્રભારી તરીકે નિમણૂક આપવી જોઈએ, જેથી પક્ષના પાયાના કાર્યકરો સાથે અન્યાય ન થાય.
હસનવાડીમાં જનતાનો સ્વયંભૂ વિરોધ અને સૂત્રોચ્ચાર
રાજકારણ જ્યારે ગરમાયું ત્યારે તેની અસર રસ્તા પર પણ જોવા મળી હતી. આજે હસનવાડી વિસ્તારમાં ઘનશ્યામસિંહ જાડેજાના સમર્થનમાં સેંકડોની સંખ્યામાં સ્થાનિક રહીશો અને ખાસ કરીને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોમાં એટલો આક્રોશ હતો કે તેમણે બેનરો અને પોસ્ટરો સાથે કોંગ્રેસના નિર્ણયનો વિરોધ કર્યો હતો. "અમારી એક જ માંગ, ઘનશ્યામસિંહ જાડેજા"ના ગુંજતા નારાઓએ રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. જે નેતાએ અડધી રાત્રે અમારી મુશ્કેલીમાં સાથ આપ્યો છે, તેમની ટિકિટ કાપવી એને લઈને વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન કોઈ રાજકીય પક્ષ પ્રેરિત નહીં પરંતુ સ્વયંભૂ હોવાનું સ્થાનિકોએ ભારપૂર્વક જણાવ્યું હતું, જે ઘનશ્યામસિંહની લોકચાહનાનો પુરાવો આપે છે.