રાજકોટ મેયરના પતિ દ્વારા કરવામાં આવેલાં ગેરકાયદે બાંધકામ મુદ્દે મુકુંદ રાવલના આક્ષેપો, RMC અને કલેકટરને કરી રજૂઆત...
રાજકોટ: રંગીલા રાજકોટમાં હાલ સત્તા અને સામાન્ય જનતા વચ્ચેના ભેદરેખાને લઈને એક મોટો વિવાદ છેડાયો છે. શહેરના પ્રથમ નાગરિક એવાં મેયર નયનાબેન પેઢડીયાના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર દબાણને મુદ્દે સામાજિક કાર્યકર મુકુંદભાઈ રાવલે મોરચો માંડ્યો છે. મુકુંદભાઈએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે કે, સત્તાના જોરે કરવામાં આવેલા આ દબાણ સામે તાત્કાલિક અસરથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે. અરજીમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ અને જો સામાન્ય નાગરિકના દબાણો તોડી પાડવામાં આવતા હોય, તો મેયરના નિવાસસ્થાને કે તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલું બાંધકામ પણ જમીનદોસ્ત થવું જોઈએ.
આ આખા વિવાદમાં તંત્રની નીતિ પર આકરા પ્રહારો કરતા મુકુંદભાઈ રાવલે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારો જેવા કે જંગલેશ્વરમાં ડિમોલિશનની કામગીરી કરે છે ત્યારે ખૂબ જ સક્રિયતા દાખવે છે, પરંતુ જ્યારે વાત 'મોટા માથા' કે સત્તાધારી પક્ષના હોદ્દેદારોની આવે છે ત્યારે અધિકારીઓના હાથ કેમ ધ્રૂજે છે? તેમણે આક્ષેપ કર્યો હતો કે મોટાબાગડ બિલ્લાઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જે તંત્રની નિષ્પક્ષતા સામે મોટા સવાલો ઊભા કરે છે. આ અરજીમાં માત્ર દબાણ દૂર કરવાની જ નહીં, પરંતુ જો જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરે અથવા રાજકીય દબાણ હેઠળ આવીને કાર્યવાહી ન કરે, તો તે અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવાની માંગણી દોહરાવવામાં આવી છે.
મુકુંદભાઈ રાવલે વધુમાં ઉમેર્યું કે, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, પછી ભલે તે શહેરના પ્રથમ નાગરિકના પરિવારજન કેમ ન હોય. જો જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો હટાવી શકાતા હોય, તો મેયરના પતિ દ્વારા કરાયેલું કથિત દબાણ કેમ અકબંધ છે? સામાજિક કાર્યકરની આ આક્રમક રજૂઆતને પગલે હવે રાજકોટ મહાનગરપાલિકા અને કલેક્ટર તંત્ર કયા પ્રકારના પગલાં લે છે તેના પર આખા શહેરની મીટ મંડાયેલી છે. આ મુદ્દો આગામી દિવસોમાં રાજકીય રીતે પણ વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.