રાજકોટ જંગલેશ્વરમાં તંત્રની ‘કાચબા ગતિ’....હજારો મકાનો તોડ્યા પણ રસ્તો બનાવવામાં વેઠ ઉતારાઈ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત 23 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા દ્વારા આજી નદીના પટ અને રસ્તામાં આવતા 1500થી વધુ અનધિકૃત મકાનોનું ઐતિહાસિક ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કામગીરીને આજે એક મહિનો પૂર્ણ થયો હોવા છતાં, જે હેતુ માટે દાયકાઓ જૂના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, તે વિકાસના કામો હજુ કાગળ પર જ રહ્યા છે. ઈસ્ટઝોનના બાંધકામ વિભાગની ઉદાસીનતાને કારણે આ વિસ્તાર હાલ ખંડેર જેવો ભાસી રહ્યો છે.
ડિમોલિશન સમયે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી હતી કે રસ્તાનું કામ અને આજી નદીના પટમાં વિકાસલક્ષી કામગીરી સત્વરે હાથ ધરવામાં આવશે. જોકે, વાસ્તવિકતા એ છે કે હજુ સુધી ન તો રસ્તાનું નિર્માણ થયું છે કે ન તો આજી નદીના પટમાંથી સંપૂર્ણ કાટમાળ હટાવવામાં આવ્યો છે. રસ્તાકામ ક્યારે શરૂ થશે તે અંગે ઈસ્ટઝોનના જવાબદાર અધિકારીઓ પાસે કોઈ સ્પષ્ટ વિગતો નથી.
વિકાસના કામોમાં વિલંબ થવાને કારણે જંગલેશ્વરમાં ફરીથી કાચા દબાણો થવાની શરૂઆત થઈ હોવાની વિગતો બહાર આવી છે. અગાઉ પણ શહેરમાં અનેક સ્થળે ડિમોલિશન બાદ ડેવલપમેન્ટ ન થતા ત્યાં ફરી દબાણો થયા હોવાના કિસ્સાઓ બન્યા છે. જો જંગલેશ્વરમાં પણ આ જ પુનરાવર્તન થશે, તો તંત્રની મહેનત અને લોકોએ ગુમાવેલા આશિયાના એળે જશે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોની માંગ છે કે જે તે વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે. માત્ર ડિમોલિશનમાં જ રસ દાખવતું તંત્ર વિકાસના કામોમાં કેમ પાછળ છે? વહીવટદાર અને કમિશનરે આ મામલે કડક પગલાં ભરી સમયમર્યાદામાં રસ્તાકામ પૂર્ણ કરાવવું જોઈએ જેથી લાખોના ખર્ચે કરાયેલી કામગીરી સાર્થક થાય.