રાજકોટ: ‘આપ’ના ઉમેદવાર રાહુલ ભુવા સામે પોલીસ ફરિયાદ, ચૂંટણી પ્રચારના બોર્ડ હટાવતી ટીમ સાથે કરી ધક્કામુક્કી
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના વોર્ડ નંબર 4 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેમના સાથીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી આચારસંહિતાના અમલીકરણ દરમિયાન સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ લાવવા અને બોર્ડ હટાવવાની કામગીરીમાં ખલેલ પહોંચાડવા બદલ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
દબાણ હટાવ શાખાની કામગીરીમાં ખલેલ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખામાં ઈ.આર.ઓ. તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસને આપેલી વિગત મુજબ, ગત 31 March 2026, મંગળવારના રોજ તેઓ પોતાની ટીમ સાથે વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 અને 18 સહિતના વિસ્તારોમાં આચારસંહિતા ભંગ સમાન પ્રચાર સામગ્રી હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન કુવાડવા રોડ પર ઇલેક્ટ્રિક થાંભલાઓ પર લગાવેલા આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારોના પ્રચારલક્ષી બોર્ડ ઉતારતી વખતે આ વિવાદ સર્જાયો હતો.
“રજાના દિવસે કેમ કામ કરો છો?” કહી કર્યો વિરોધ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જ્યારે મનપાના કર્મચારીઓ બોર્ડ ઉતારી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિઓએ આવીને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને સવાલ કર્યો હતો કે, તમે રજાના દિવસે કેમ બોર્ડ હટાવી રહ્યા છો ? આ વ્યક્તિઓએ પોતાની ઓળખ વોર્ડ નંબર 4 ના ઉમેદવાર રાહુલ ભુવા અને અન્યએ હાર્દિક રાબડીયા તરીકે આપી હતી.
સરકારી મિલકતમાંથી બોર્ડ બહાર કાઢવાનો પ્રયાસ
આરોપીઓએ માત્ર મનપા સ્ટાફ સાથે ગેરવર્તન જ નહોતું કર્યું, પરંતુ દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત કરીને બોલેરો ગાડીમાં રાખવામાં આવેલા બોર્ડ પણ બળજબરીથી બહાર કાઢવા લાગ્યા હતા. સરકારી ફરજમાં સીધી રૂકાવટ થતા અને મામલો બિચકતા અધિકારી દ્વારા પોલીસને ફોન કરવામાં આવ્યો હતો.
BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ
રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 221, 121 (1) અને 3 (5) સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મનપા અધિકારીનું નિવેદન નોંધીને ફરાર થયેલા બંને શખ્સોની શોધખોળ અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.