April 7, 2026
રાજનીતિ

રાજકોટ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : કોંગ્રેસે 'જનતાનો મેનીફેસ્ટો' જાહેર કરી વચનોની લહાણી કરી, જાણો વેરામાં રાહત થી લઈને ફ્રી બસ સેવા સુધીના ક્યાં- ક્યાં વાયદા કર્યા... 

11:36:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : </strong></span>કોંગ્રેસે 'જનતાનો મેનીફેસ્ટો' જાહેર કરી વચનોની લહાણી કરી, જાણો વેરામાં રાહત થી લઈને ફ્રી બસ સેવા સુધીના ક્યાં- ક્યાં વાયદા કર્યા... </p>

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે શહેરના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. સત્તાધારી પક્ષને પછાડવા માટે વિપક્ષ કોંગ્રેસે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આ પ્રક્રિયાના ભાગરૂપે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનીફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. 'જનતાનો મેનીફેસ્ટો' નામથી રજૂ કરવામાં આવેલા આ વચનપત્રમાં કોંગ્રેસે શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના મતદારોને રીઝવવા માટે અનેક લોભામણી જાહેરાતો કરી છે. શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ આ મેનીફેસ્ટો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ માત્ર કાગળ પરના વચનો નથી પરંતુ રાજકોટની જનતાની પાયાની જરૂરિયાતોને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલો એક રોડમેપ છે, જેનો અમલ સત્તા પર આવ્યા બાદ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. આ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ સહિતનાં કેટલાક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા

વેરામાં રાહત થી લઈને ફ્રી બસ સેવા સુધીના ક્યાં- ક્યાં વાયદા કર્યા

કોંગ્રેસના આ મેનીફેસ્ટોમાં સૌથી મોટું આકર્ષણ ઘરવેરા અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો વાયદો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો તેઓ સત્તા પર આવશે તો 70 વાર સુધીના મકાનોમાં ઘરવેરો સંપૂર્ણપણે માફ કરવામાં આવશે, જ્યારે દસ્તાવેજ ધરાવતા અન્ય મકાનોના વેરામાં પણ 50 ટકાની માતબર રાહત આપવામાં આવશે. આ ઉપરાંત, રાજકોટમાં વર્ષોથી સળગતી પાણીની સમસ્યા પર પ્રહાર કરતા કોંગ્રેસે વચન આપ્યું છે કે હાલમાં જે માત્ર 15 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે, તેનો સમય વધારીને 45 મિનિટ કરવામાં આવશે. નવા ભળેલા વિસ્તારોના વિકાસ માટે વિશેષ પેકેજની જોગવાઈ પણ આ મેનીફેસ્ટોમાં કરવામાં આવી છે, જેનો હેતુ શહેરના સીમાડે વસેલા લોકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે.

શિક્ષણ અને પરિવહન ક્ષેત્રે પણ કોંગ્રેસે ક્રાંતિકારી ફેરફારો કરવાનું વચન આપ્યું છે. દરેક વોર્ડમાં ડિજિટલ શાળાઓ શરૂ કરી તેને CBSE કે સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાણ કરવાની વાત કરવામાં આવી છે, જેથી મનપાની શાળામાં ભણતા સામાન્ય પરિવારના બાળકોને પણ ઉચ્ચ સ્તરનું શિક્ષણ મળી રહે. તે જ રીતે, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે સિટી બસમાં મફત મુસાફરીની સુવિધા આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા કોંગ્રેસે મનપાની ભરતીમાં મહિલાઓને 50 ટકા પ્રાધાન્ય આપવા સહિત પિંક ટોયલેટ, મફત જીમ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ આપવાની વાત કરી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ દરેક વોર્ડમાં 24 કલાક આરોગ્ય કેન્દ્ર અને વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક ફ્રી બોડી ચેકઅપ જેવી યોજનાઓ રજૂ કરવામાં આવી છે.

અન્ય મહત્વના મુદ્દાઓમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા માટે દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા, યુવાનો માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને પ્રોફેશનલ કોચિંગ, તેમજ શહેરમાં વધતા પ્રદૂષણને અટકાવવા વ્યાપક વૃક્ષારોપણ દ્વારા AQI સુધારવાના વચનો આપવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો માટે રિઝર્વ પ્લોટ્સનો ઉપયોગ માત્ર તેમના હિત માટે જ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. આમ, રાજકોટ કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ જનતાના દ્વારે આકર્ષક વચનોનું પોટલું ખોલી દીધું છે. જોકે, ચૂંટણીના રણમેદાનમાં જનતા આ વચનો પર કેટલો વિશ્વાસ મૂકે છે અને જીતનો તાજ કોના શિરે પહેરાવે છે તે તો આવનારો સમય જ બતાવશે.