રાજકોટના નાના મૌવા રોડ પર મારવાડી ગ્રુપની હેડ ઓફિસમાં ભીષણ આગ : ચારેતરફ ધુમાડાના ગોટા અને અફરાતફરી વચ્ચે બચાવ કામગીરી કરાઇ
રાજકોટના અત્યંત વ્યસ્ત ગણાતા નાના મૌવા રોડ પર આવેલી જાણીતા મારવાડી ગ્રુપની હેડ ઓફિસમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને દોડધામનો માહોલ સર્જાયો હતો. રાત્રિનાં સમયે અચાનક ચોથા અને પાંચમા માળેથી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટા દેખાવા લાગ્યા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં ઉપરના બંને માળને લપેટમાં લઈ લીધા હતા, જેના કારણે ઓફિસમાં હાજર કર્મચારીઓમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને એક પછી એક કુલ પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ફાયર વિભાગના જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. ઓફિસની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રાથમિકતા સાથે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું છે.
આસપાસના રસ્તાઓ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી, જેને સંભાળવા માટે પોલીસ કાફલો પણ દોડી આવ્યો છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર મળ્યા નથી, જે તંત્ર અને મેનેજમેન્ટ માટે મોટું આશ્વાસન છે. હાલમાં આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર વિભાગનું પ્રાથમિક અનુમાન છે કે શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોઈ શકે છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનીનો ખરો આંકડો બહાર આવશે.