રાજકોટ : મવડીમાં સરકારી મિલકત પર ગેરકાયદે પાર્ટી પ્લોટ બનાવી દીધો, કરોડોની જમીન હડપ કરનાર વિરુદ્ધ તંત્રએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધી ફરિયાદ...
રાજકોટના મવડી વિસ્તારમાં સરકારી મિલકત પર ગેરકાયદે કબ્જો જમાવીને આર્થિક લાભ ખાટવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરના પ્રગતિશીલ વિસ્તાર ગણાતા મવડીમાં અંદાજે રૂપિયા 3.85 કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી 5500 ચોરસ મીટર સરકારી જમીન પર 'સિટી લાઇટ પાર્ટી પ્લોટ' ઉભો કરી દેવામાં આવ્યો હતો. આટલી વિશાળ જગ્યા પર માત્ર દબાણ જ કરવામાં આવ્યું નહોતું, પરંતુ તેને વ્યવસાયિક રૂપ આપીને પ્રસંગો માટે ભાડે આપી લાખો રૂપિયાની કમાણી પણ કરવામાં આવતી હતી. સરકારી તંત્રની આંખ નીચે જ ચાલતા આ ખેલમાં જ્યારે મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે આ સમગ્ર જમીન સરકારી હોવાનું સામે આવ્યું હતું, જેણે વહીવટી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે.
આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ગોરધન ઉકાભાઈ મેઘાણી નામના શખ્સ વિરુદ્ધ હવે કાયદાનો ગાળિયો કસાયો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તંત્ર દ્વારા વર્ષ 2024માં જ આ દબાણ હટાવવા માટે લેખિત નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, તંત્રની નોટિસને ઘોળીને પી જનાર કબજેદારે દોઢ વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં જમીન ખાલી કરવાની તસ્દી લીધી નહોતી. સરકારી આદેશોનું ઉલ્લંઘન અને કિંમતી જમીન પરના સતત અતિક્રમણને ધ્યાને રાખીને આખરે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. મામલતદારની ફરિયાદના આધારે હવે ગોરધન મેઘાણી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. 
રાજકોટમાં ભૂમાફિયાઓ અને સરકારી જમીન પર નજર બગાડનારા તત્વો માટે આ કાર્યવાહી એક લાલબત્તી સમાન છે. જે જમીન જાહેર જનતાના હિત માટે વપરાવી જોઈએ, તેના પર ખાનગી પ્લોટ બનાવીને કમાણી કરતા તત્વો સામે હવે વહીવટી તંત્ર 'બુલડોઝર' નીતિ તો અપનાવવામાં જ આવે છે. આગામી દિવસોમાં આ પ્લોટ પરનું બાંધકામ તોડી પાડીને જમીનનો કબજો સરકાર હસ્તક લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે કે શું તે જોવાનું હવે રહ્યું છે.