રાજકોટ : આમ્રપાલી પાસે મર્સિડીઝ ચાલકે અકસ્માત સર્જ્યો, 3 એક્ટિવા અને 2 કારને લીધી અડફેટે, એક્ટિવાનો તો કચ્ચરઘાણ વાળ્યો...
રાજકોટના પોશ ગણાતા આમ્રપાલી ફાટક વિસ્તારમાં આવેલી શ્રેયસ સોસાયટીમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ મર્સિડીઝ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર ઉભેલા અને પસાર થતા વાહનોને પોતાની અડફેટે લીધા હતા. જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય હોય તેમ, બેકાબૂ બનેલી આ મર્સિડીઝે એક પછી એક ત્રણ એક્ટિવા અને બે અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. આ એક્ટિવા રસ્તા પર પાર્ક કરેલી હતી. જેનાથી મોટી જાનહાનિ ટળી છે. અકસ્માત એટલો ભીષણ હતો કે એક્ટિવાનો કુરચો બોલી ગયો હતો
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે રહેણાંક વિસ્તારમાં આટલી પ્રચંડ ગતિએ કાર ચલાવવી એ સીધી રીતે નિર્દોષ લોકોના જીવ સાથે રમત સમાન છે. અકસ્માતને કારણે રોડ પર લોકો આ દ્રશ્યો જોવા પોતાનાં વાહનો લઈને ઊભી ગયા હતા. લક્ઝુરિયસ કારનો આગળનો ભાગ પણ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી મુજબ. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા વધુ તપાસ શરૂ કરી છે. ચાલક નશાની હાલતમાં હતો કે કેમ અથવા તો અન્ય કોઈ યાંત્રિક ખામીને કારણે આ દુર્ઘટના ઘટી હતી. તે અંગે તપાસ કામગીરી પોલીસે હાથ ધરી છે.