માનવતાને લજવતી ઘટના : રાજકોટના મેટોડામાં આખલાઓ પર એસિડ ફેંકનાર સામે પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલાઓની કરી ધરપકડ
રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં આવેલ ડાયમંડ પાર્ક પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં 2 દિવસ પહેલાં અજાણ્યા અસામાજિક તત્વોએ દસથી વધુ નિર્દોષ આખલાઓ પર એસિડ ફેંકી તેમને ગંભીર રીતે ઇજા પહોંચાડી છે. જેનો ભેદ આજે રાજકોટ ગ્રામ્ય પોલીસે ઉકેલીને બે મહિલાઓની ધરપકડ કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે ગત શનિવારની મોડી રાત્રે અથવા રવિવારની વહેલી સવારે, જ્યારે આ પશુઓ રસ્તા પર વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે આ મહિલાઓએ તેમના પર જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું. સવારે જ્યારે સ્થાનિક લોકોએ આ પશુઓને લોહીલુહાણ હાલતમાં અને ચામડી ઉખડેલી અવસ્થામાં જોયા હતાં. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના પશુપ્રેમીઓ અને ગૌભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને ફાઉન્ડેશનના સ્વયંસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એસિડની અસહ્ય વેદનાથી કણસતા અને આમતેમ ભાગતા 10થી વધુ આખલાઓને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ તમામ ગંભીર રીતે દાઝેલા પશુઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોટી સંખ્યામાં ગૌભક્તોએ મેટોડા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ઘટનાની ગંભીરતા સમજીને તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. CCTV ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે તપાસ હાથ ધરતા આ કૃત્યમાં સંડોવાયેલી બે મહિલાઓની ધરપકડ કરી છે. ગાયને હેરાન કરતા હોવાની શંકાએ આખલાઓ પર આ મહિલાઓએ એસિડ ફેંકયું હતું.
આ બંને મહિલાઓ સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઘટના પાછળ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ. આ કડક કાર્યવાહી દ્વારા સમાજમાં એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે અબોલ જીવો પર કરવામાં આવતી કોઈપણ પ્રકારની હિંસા સાંખી લેવામાં આવશે નહીં.