'અમારા માટે કમળનું નિશાન સર્વોપરી', રાજકોટ મનપા ચૂંટણીની યાદી ભાજપે કરી જાહેર, શહેર પ્રમુખ માધવ દવેનું નિવેદન....

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે તમામ 18 વોર્ડના 72 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પોતાની મહત્વની પ્રતિક્રિયા આપતા પક્ષના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીનો આ પર્વ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી પૂરી સજ્જતા સાથે આ મેદાનમાં ઉતરી છે. પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ 72 ઉમેદવારો વિજયી બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા તેમણે તમામ કાર્યકરો અને ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી.
ઉમેદવારોના નામોની પસંદગીમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હોવાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા માધવ દવેએ સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે, આ વખતે ઘણા નેતાઓના નામ યાદીમાં નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ન મળવી એનો અર્થ એ નથી કે તેમની બાદબાકી થઈ ગઈ છે. ભાજપમાં પદ એ કોઈ સત્તા ભોગવવાનું સાધન નથી પણ એક જવાબદારી છે. જે દિગ્ગજોના નામ યાદીમાં નથી, પક્ષ તેમના અનુભવ અને ક્ષમતાનો ઉપયોગ આવનારા સમયમાં અન્ય મહત્વની સંગઠનાત્મક કે સરકારી જવાબદારીઓ સોંપીને કરશે. કાર્યકર્તા માટે વ્યક્તિગત મહત્વ કરતા પક્ષની વિચારધારા અને કમળનું નિશાન સૌથી વધુ મહત્વનું હોય છે.
શહેર પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપની આ કાર્યપદ્ધતિ રહી છે કે નવા ચહેરાઓને તક આપીને સંગઠનને વધુ મજબૂત બનાવવું. અનેક નવા કાર્યકર્તાઓને આ વખતે પ્રથમવાર ચૂંટણી લડવાની તક મળી છે, જે દર્શાવે છે કે પક્ષ સામાન્ય કાર્યકરની મહેનતની કદર કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટી જે પણ નિર્ણય લે છે તે શિસ્તબદ્ધ કાર્યકરો માટે સર્વોપરી હોય છે. આ ચૂંટણીમાં કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ વિચારધારાની લડાઈ છે અને તમામ કાર્યકરો એકજૂથ થઈને 'કમળ'ને વિજયી બનાવવા માટે કામે લાગી ગયા છે. રાજકોટની જનતા હંમેશા વિકાસની રાજનીતિને સમર્થન આપતી આવી છે અને આ વખતે પણ ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે.