રાજકોટ મનપા ચૂંટણીમાં ખળભળાટ : વોર્ડ નં. 11માં રક્ષિત કલોલાનું પત્તું કપાય તેવી શક્યતા, નીતિન રામાણી- સુરેન્દ્રસિંહ વાળાની એન્ટ્રીની ચર્ચાઓએ જોર પકડ્યું...

રાજકોટ મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 11માંથી જાણીતા સરકારી વકીલ રક્ષિત કલોલાને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ, પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ અંતિમ ઘડીએ આ બેઠક પર ફેરફાર કરી શકે તેમ છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં અચાનક ઉમેદવાર બદલવાની વાતો વહેતી થતા કાર્યકરોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. રાજકોટ મનપા ચૂંટણી સંદર્ભે ભાજપની ઉમેદવારોની યાદીમાં ટીકીટ કપાતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીના સમર્થકોએ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમના 50થી વધુ સમર્થકોએ પક્ષ કાર્યાલય પર નારેબાજી કરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રક્ષિત કલોલાની ટિકિટ કાપીને તેમના સ્થાને રાજકોટના એક અગ્રણી ભાજપ નેતા અને પૂર્વ કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા અને પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીને મેદાનમાં ઉતારવામાં આવે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ ભાજપના આંતરિક વર્તુળોમાં એવી ચર્ચા છે કે સ્થાનિક લેવલે જ્ઞાતિગત સમીકરણો અને સંગઠનની મજબૂતીને ધ્યાને રાખીને હાઈકમાન્ડ આ નિર્ણય લઈ શકે છે. ગતરોજ યાદી જાહેર થયા બાદ ઉભી થયેલી કેટલીક અસંતોષની લાગણી અથવા રણનીતિક ફેરફારને કારણે હવે 'ફોર્મ' ભરવાના છેલ્લા સમય સુધીમાં મોટા ચમત્કારની અપેક્ષા રખાઈ રહી છે.
જો આ ફેરફાર થશે, તો તે રાજકોટના રાજકારણમાં એક નવો વળાંક સાબિત થશે. રક્ષિત કલોલા જેઓ વ્યવસાયે વકીલ છે, તેમને પડતા મૂકી નીતિન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળા પર કળશ ઢોળાય છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.