રાજકોટમાં પેટ્રોલ ડીલર એસોસિએશન IOC કંપની ખાતે કરશે રજૂઆત, જાણો શું છે મુખ્ય માંગણીઓ?
ગુજરાતના મુખ્ય શહેરોમાં હાલ પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે હાહાકાર મચી ગયો છે, જેનાથી સામાન્ય જનજીવન પર માઠી અસર પડી રહી છે. મળતી માહિતી મુજબ, છેલ્લા બે દિવસથી રાજ્યના અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં ખાનગી તેમજ સરકારી પેટ્રોલ પંપો પર ઇંધણનો જથ્થો ખૂટી પડતા વેચાણ ઠપ થઈ ગયું છે. આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ ઓઇલ કંપનીઓ દ્વારા કરવામાં આવતો શોર્ટ સપ્લાય અને ક્રેડિટ સુવિધામાં કરવામાં આવેલો ઘટાડો હોવાનું સામે આવ્યું છે. અનેક પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક' ના બોર્ડ ઝૂલી રહ્યા છે, જેના કારણે વાહનચાલકો એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. ખાસ કરીને ખાનગી કંપનીઓના પંપો સૌથી વધુ પ્રભાવિત થયા છે અને તેઓ બંધ થવાના આરે આવી પહોંચ્યા છે.
આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે રાજકોટ પેટ્રોલ ડીલર એસોસિએશન દ્વારા કમર કસવામાં આવી છે. એસોસિએશનના પ્રતિનિધિઓ આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં ડીલરો દ્વારા રજૂઆત કરવામાં આવશે કે જ્યાં સુધી પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે, ત્યાં સુધી પંપોને સુચારૂ રીતે કાર્યરત રાખવા અશક્ય છે.
ડીલરોની મુખ્ય માંગણી છે કે સપ્લાયમાં આવતા અવરોધોને તાત્કાલિક દૂર કરવામાં આવે અને જે પેમેન્ટ મોડમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં આવે, જેથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવી ન પડે.
ધીમંત ઘેલાણી
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ પેટ્રોલની સંપૂર્ણ અછત છે એવું નથી, પરંતુ પુરવઠો અનિયમિત હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે ડીલરો ઈચ્છે છે કે રાજ્યના દરેક પંપ સુધી સમયસર અને પૂરતો જથ્થો પહોંચે. જો ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાય ચેઇન સુધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે. હાલમાં એસોસિએશન અને કંપનીના અધિકારીઓ વચ્ચે યોજાનારી આ રજૂઆત પર તમામની નજર ટકેલી છે, જેથી ઇંધણના આ સંકટનો કોઈ કાયમી ઉકેલ લાવી શકાય.