'જેવી ભાષામાં સમજશો એવી જ ભાષામાં જવાબ મળશે' રાજકોટની ઇભલા ગેંગને ભોં ભીતર કરવા પોલીસ કટિબદ્ધ
રંગીલા રાજકોટમાં ગુંડારાજ ચલાવતા તત્વો માટે હવે જેલના સળિયા તૈયાર છે. શહેરની કુખ્યાત 'ઇભલા ગેંગ'ની કમર તોડવા માટે પોલીસે 'ગુજસીટોક'નું અમોઘ શસ્ત્ર ઉગામ્યું છે. લૂંટ, ધાક-ધમકી અને ચોરી જેવા 89 ગુનાઓ આચરીને નિર્દોષ લોકોમાં ફફડાટ ફેલાવતી આ ગેંગના સભ્યોને પોલીસે સકંજામાં લીધા છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ગુનેગારોને ખુલ્લી લલકાર આપી છે કે રાજકોટમાં હવે અસામાજિક તત્વોની ખેર નથી.રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે, પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક ખતરનાક ગેંગ સામે લાલ આંખ કરવામાં આવી છે.
શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત 'ઇભલા ગેંગ' વિરુદ્ધ ગુજરાત ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કંટ્રોલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ગેંગના સભ્યો લાંબા સમયથી લૂંટ, ચોરી, ધાક-ધમકી અને શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ ગેંગના સભ્યો વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 89 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગ સંગઠિત રીતે ગુના આચરીને નિર્દોષ લોકોમાં ભયનો માહોલ પેદા કરતી હતી.
પોલીસ કાર્યવાહીની વિગત આપતા ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, આ ગેંગના બે મુખ્ય આરોપીઓ હાલ જેલમાં છે, જ્યારે ગેંગના અન્ય ચાર સક્રિય સભ્યોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસ આ ગેંગના તમામ સાગરીતો અને તેમને આર્થિક કે અન્ય રીતે મદદ કરનારા શખ્સો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડીસીપી જગદીશ બાંગરવાએ સ્પષ્ટ શબ્દોમાં ગુંડાતત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "રાજકોટ પોલીસ ગુનેગારો સામે નરમ વલણ રાખશે નહીં.
જે તત્વો લોકો સાથે જેવો વ્યવહાર કરશે, પોલીસ પણ તેમની સાથે તેવો જ કડક વ્યવહાર કરવા માટે કટિબદ્ધ છે." શહેરની શાંતિ ડહોળનારા કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં. રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સંગઠિત ગુનાખોરી ડામવા માટે સતત ગુજસીટોક જેવી આકરી કલમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇભલા ગેંગ સામેની આ કાર્યવાહીથી બી-ડિવિઝન સહિતના વિસ્તારોના રહિશોએ રાહતનો શ્વાસ લીધો છે.