ગેરકાયદેસર નાણાં ધીરનારાઓ સાવધાન! રાજકોટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આવતીકાલે યોજાશે ભવ્ય 'જનસંપર્ક સભા'...
રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીના આતંકને ડામવા માટે એક સરાહનીય અને મક્કમ પગલું ભરવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરના નાગરિકોને વ્યાજચક્રના ભરડામાંથી મુક્ત કરાવવા માટે એક વિશાળ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. "વ્યાજખોરોનો હવે ખેર નથી : રાજકોટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં જનતાના પ્રશ્નોના નિકાલ માટે મહાસભા" ના શીર્ષક હેઠળ યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર નાણાં ધીરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો અને પીડિતોને સુરક્ષા પૂરી પાડવાનો છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવા (IPS)એ જણાવ્યુ હતું કે, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સરના સીધા માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 24 માર્ચના રોજ, મંગળવારે સાંજે 4:30 કલાકે રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આ વિશેષ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ હાજર રહીને લોકોની સમસ્યાઓ સાંભળશે અને સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન તેમજ કાર્યવાહીની ખાતરી આપશે.
શહેરના ખૂણેખૂણે વ્યાજખોરો જે રીતે સામાન્ય જનતાનું શોષણ કરી રહ્યા છે તેના વિરુદ્ધ લાલ આંખ કરતા પોલીસ તંત્રે તમામ નાગરિકોને નિર્ભય બનીને આગળ આવવા અપીલ કરી છે. જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર વ્યાજખોરી (Illegal Money Lending)નો શિકાર બની હોય, મિલકત પચાવી પાડવાની ધમકી મળતી હોય કે પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત હોય, તો તેઓ આ જનસંપર્ક સભામાં પધારીને પોતાની રજૂઆત કરી શકે છે. પોલીસ પ્રશાસન દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ફરિયાદ કરનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે અને ગુનેગારો વિરુદ્ધ કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. જે લોકો કોઈ કારણસર સભામાં ઉપસ્થિત રહી શકે તેમ ન હોય, તેઓને તાત્કાલિક ધોરણે રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી વ્યાજખોરીના દૂષણને શહેરના નકશા પરથી નાબૂદ કરી શકાય અને દરેક નાગરિક શાંતિથી જીવી શકે.