રેકોર્ડબ્રેક કમાણી! રાજકોટ રેલવે ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26માં રચી દીધો ઇતિહાસ, જાણો આ વર્ષે કેટલા કરોડની કમાણી કરી?
પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ભારતીય રેલવેના નકશા પર સફળતાનું નવું પર્યાય બનીને ઉભર્યું છે. નાણાકીય વર્ષ 2025-26ના અંતે ડિવિઝને પોતાની શ્રેષ્ઠ કાર્યક્ષમતાનો પરિચય આપતા કુલ રૂ. 2711.06 કરોડની રેકોર્ડબ્રેક વાર્ષિક આવક હાંસલ કરીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતાની વિગતો આપતા ગર્વભેર જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષ 2024-25માં ડિવિઝનની આવક રૂ. 2455.94 કરોડ હતી, જેની સરખામણીએ આ વર્ષે 10.43 ટકા એટલે કે રૂ. 255.12 કરોડનો ધરખમ વધારો જોવા મળ્યો છે. આ આંકડો માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં પરંતુ ડિવિઝનની મજબૂત સંચાલન શક્તિનું પણ પ્રતીક છે.
આ ભવ્ય સફળતામાં સૌથી મોટું યોગદાન માલસામાનના પરિવહન એટલે કે ગુડ્સ લોડિંગનું રહ્યું છે, જ્યાં રાજકોટ ડિવિઝને છેલ્લા 11 વર્ષના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માલભાળાના માધ્યમથી ડિવિઝનને રૂ. 2238.34 કરોડની મબલખ આવક થઈ છે, જે ગત વર્ષના રૂ.2027.27 કરોડની સરખામણીએ 10.41 ટકા વધુ છે. આ વર્ષ દરમિયાન ડિવિઝને કુલ 11.95 મિલિયન ટન માલસામાનનું લોડિંગ કર્યું છે, જે ગત વર્ષના 10.81 મિલિયન ટન સામે 10.60 ટકાનો ઉછાળો દર્શાવે છે. ડિવિઝનલ મેનેજમેન્ટે લોજિસ્ટિક્સ ક્ષેત્રે દાખવેલી તત્પરતાને કારણે જ દરરોજ સરેરાશ 574 વેગનનું લોડિંગ શક્ય બન્યું છે, જે અગાઉના 522 વેગનના સરેરાશ આંકડા કરતા 10 ટકા વધારે છે.
માત્ર માલવાહક ક્ષેત્રે જ નહીં, પરંતુ મુસાફરોની સેવામાં પણ રાજકોટ ડિવિઝને નવી ઊંચાઈઓ સર કરી છે. વર્ષ 2025-26માં મુસાફરોની આવકમાં 9.77 ટકાનો વધારો નોંધાયો છે, જેનાથી રેલવેની તિજોરીમાં રૂ. 437.43 કરોડ જમા થયા છે. આ આંકડા પાછળ મુસાફરોની સંખ્યામાં થયેલો 15.94 ટકાનો નોંધપાત્ર વધારો જવાબદાર છે. આ વર્ષે અંદાજે 1.30 કરોડ લોકોએ રાજકોટ ડિવિઝન પર ભરોસો મૂકી મુસાફરી કરી છે, જે ગત વર્ષે 1.12 કરોડ હતી. મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર માત્ર ટ્રેનોની સુવિધા જ નહીં, પરંતુ સમયપાલન પણ રહ્યું છે. ડિવિઝને 95.23 ટકા પંક્ચ્યુઆલિટી રેટ જાળવી રાખીને સાબિત કર્યું છે કે તેઓ મુસાફરોના સમયની કિંમત સમજે છે.
રાજકોટ ડિવિઝનની આ સર્વગ્રાહી પ્રગતિમાં પાર્સલ અને અન્ય સ્ત્રોતોએ પણ રૂ. 35.09 કરોડનું મહત્વનું પ્રદાન કર્યું છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતાનો સંપૂર્ણ શ્રેય ડિવિઝનના પાયાના કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓની ટીમ વર્ક અને અતૂટ નિષ્ઠાને આપ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી વર્ષોમાં પણ ટેકનોલોજી અને સેવામાં સુધારો કરીને રાજકોટ ડિવિઝન ભારતીય રેલવેના વિકાસમાં પોતાનું યોગદાન વધુ મજબૂત બનાવશે. રેલવે દ્વારા મેળવવામાં આવેલી આ ઐતિહાસિક સિદ્ધિએ સૌરાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિકાસને પણ નવી ગતિ આપી છે.