રાજકોટના સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ...
રાજકોટના રહેણાંક વિસ્તારમાં આજે એક હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં સાધના સોસાયટીમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસનો બાટલો વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તારમાં ભારે ફાળ પડી ગઈ હતી. મકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા અને કાન ફાડી નાખે તેવો અવાજ આવતા આસપાસના રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત ગેસ લીકેજને કારણે થયો હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે મકાનને મોટું નુકસાન પહોંચ્યું છે.
ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ચોંકાવનારી બાબત એ છે કે જે મકાનમાં આ વિસ્ફોટ થયો ત્યાં સૂત્રો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મકાનમાં મોટા પ્રમાણમાં ડીઝલનો જથ્થો અને ગેસના બાટલા રાખેલા હતાં. સદનસીબે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાતા એક ભયાનક જાનહાનિ ટળી ગઈ છે. 