'પિતાને કેન્સર છે એટલે લગ્ન કરવા પડે છે, બાકી રસ નથી' રાજકોટમાં મંગેતરના આવા શબ્દો બાદ સગાઈ તૂટી અને શરૂ થયો વિવાદ
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતી અને બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતી એક યુવતીની સગાઈ તૂટી જતાં, તેના પૂર્વ મંગેતરે ઉશ્કેરાઈને બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે જામનગરના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુરુજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી યુવતીની સગાઈ ગત ફેબ્રુઆરી માસમાં જામનગરના સ્વામીનારાયણનગરમાં રહેતા દિવ્યેશ દિલિપ સવજીયાણી સાથે થઈ હતી.
સગાઈના થોડા સમય બાદ બંને સુરત ફરવા ગયા હતા, જ્યાંથી પરત આવ્યા પછી આરોપી દિવ્યેશનો વ્યવહાર બદલાઈ ગયો હતો. આરોપી દિવ્યેશે યુવતીને સ્પષ્ટ કહી દીધું હતું કે, 'તેના પિતાને કેન્સર છે, એટલે જ તે મજબૂરીમાં લગ્ન કરવા સંમત થયો છે, બાકી તેને આ લગ્નમાં કોઈ રસ નથી.' મંગેતરના આ પ્રકારના નકારાત્મક વલણને કારણે યુવતીએ પોતાના પરિવાર સાથે વાત કરી સગાઈ તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. સગાઈ તોડવાનું નક્કી થયા બાદ બંને પક્ષો વચ્ચે એકબીજાની આપેલી વસ્તુઓ પરત કરવા માટે પંદર દિવસ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નહોતી.
અંતે ગત તા.22ના રોજ રાજકોટના પામ યુનિવર્સ ખાતે બંને પરિવારો વસ્તુઓ પરત આપવા માટે ભેગા થયા હતા. આ મીટિંગમાં આરોપીના માતા-પિતા અને બહેન પણ હાજર હતા. જતી વખતે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ભયભીત થયેલી યુવતીએ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આરોપી દિવ્યેશ સવજીયાણી વિરૂદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.