રાજકોટ : બ્રેક ફેલ થતા ધોળકીયા સ્કૂલની વાને એજી ચોક પાસે સર્જ્યો અકસ્માત, વાહનચાલકને અડફેટે લીધો...
રાજકોટના હૃદયસમાન ગણાતા એજી ચોક પાસે આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ધોળકીયા સ્કૂલના માસૂમ વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલવાનની બ્રેક ફેઈલ થઈ જતાં રસ્તા પરથી પસાર થતા એક બાઇકસવારને અડફેટે લોધો હતો. બપોરનાં વ્યસ્ત સમયે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાને કારણે સ્થળ પર મસમોટો ટ્રાફિક જામ સર્જાયો હતો અને હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ સ્કૂલવાનમાં સવાર બાળકોના ચહેરા પર ફફડાટ જોવા મળ્યો હતો છે.
આ ઘટનાએ ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા વાહનોની સુરક્ષા અને વિદ્યાર્થીઓના જીવના જોખમે દોડતી આવી ખખડધજ વાન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ આરટીઓ (RTO) તંત્ર દ્વારા સમયાંતરે સ્કૂલ વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ અને કડક તપાસના મોટા-મોટા બણગાં ફૂંકવામાં આવે છે, પરંતુ ધગધગતી વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું એજી ચોક પાસેની આ ઘટના પરથી સાબિત થાય છે. જો ખરેખર નિયમિત ચેકિંગ થતું હોય, તો રસ્તા પર દોડતી સ્કૂલવાનની બ્રેક અચાનક કેવી રીતે ફેઈલ થઈ શકે? શું તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરી રહ્યું છે? આવા અનેક વેધક પ્રશ્નો વાલીઓમાં ઉઠી રહ્યા છે. જો આજે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત?
જોકે, RTO દ્વારા કરવામાં આવતી કહેવાતી કડક કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી જ મર્યાદિત હોવાનું આ કિસ્સામાં સ્પષ્ટપણે જણાઈ આવે છે. આવા વાનો સામે કાયમી અને કડક પગલાં લેવામાં જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ માસૂમનો જીવ જોખમમાં ન મુકાય.