જામજોધપુર ટુ રાજકોટ 'ડ્રગ્સ કનેક્શન': હાઇબ્રિડ ગાંજાના સપ્લાયમાં બે યુવાનો જેલભેગા, પોલીસ શોધશે મૂળ
રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા થોડા સમય પહેલાં પકડાયેલા અંદાજે રૂ. 13 લાખના હાઈબ્રિડ ગાંજાના કેસમાં વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસની તપાસમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત પકડાયેલા આ હાઈટેક નશાના નેટવર્કમાં સામેલ જામજોધપુરના બે યુવાનો મિત ભાવેશભાઈ ગુંજારીયા (ઉ.વ. 25) અને યશ જીતેન્દ્રભાઈ ભુવા (ઉ.વ. 25)ની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં મુખ્ય સૂત્રધાર ધ્રુવ જોશી અને ઋષિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પૂછપરછમાં આ બંને આરોપીઓના નામ ખુલ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ધરપકડ કરાયેલા બંને આરોપીઓ જામજોધપુરના વતની છે અને રાજકોટમાં મુખ્ય સૂત્રધાર ધ્રુવ સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. આરોપી મિત ગુંજારીયા અગાઉ સિક્યુરિટીનું કામ કરતો હતો, જ્યારે યશ ભુવા ગ્રાફિક ડિઝાઈનર તરીકે વ્યવસાય કરતો હતો. આ બંને યુવાનો ધ્રુવ અને ઋષિના કહેવા મુજબ નક્કી કરેલા ગ્રાહકો સુધી હાઈબ્રિડ ગાંજાની ડિલિવરી પહોંચાડવાનું કામ કરતા હતા. આ ગેરકાયદેસર કામના બદલામાં તેમને ચોક્કસ કમિશન આપવામાં આવતું હતું. એસઓજીની તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, આ ટોળકીએ હાઈબ્રિડ ગાંજો રાખવા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરી હતી.
મુખ્ય સૂત્રધાર ધ્રુવ જોશીએ બિગ બજાર પાછળ જગન્નાથ ચોકમાં એક મકાન ભાડે રાખ્યું હતું, જેનો ભાડા કરાર ધ્રુવની સાથે મિત અને યશના નામે પણ કરવામાં આવ્યો હતો. આ મકાનનો ઉપયોગ નશાના કાળા કારોબારના સંગ્રહ અને નેટવર્ક ચલાવવા માટે કરવામાં આવતો હોવાનું ખુલ્યું છે. પોલીસ અગાઉ આ સ્થળેથી પણ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી ચૂકી છે. નશાના આ વેપારના છેડા સુરત સુધી લંબાયેલા હોવાનું સામે આવ્યું છે.પરંતુ છેલ્લા છ મહિનાથી તેઓ સુરતના વેસુ રોડ પર રહેતા ધૈર્ય ધમીજા નામના શખ્સ પાસેથી હાઈબ્રિડ ગાંજો મેળવતા હતા. ધૈર્ય ધમીજા હાલ પોલીસ પકડથી દૂર છે અને તે મોટો પેડલર હોવાની માહિતી મળી છે.
પોલીસની એક ટીમ હાલ સુરત ખાતે ધૈર્યની શોધખોળ કરી રહી છે. રાજકોટમાં પકડાયેલો આ હાઈબ્રિડ ગાંજાનો કેસ પોલીસ માટે અત્યંત મહત્વનો છે, કારણ કે સામાન્ય ગાંજા કરતા અનેકગણો મોંઘો અને ઘાતક એવો આ નશો યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.