April 1, 2026
ગુજરાત

હસતા-રમતા બે ફૂલ કરમાયા: રાજકોટની સોપાન હાઈટ્સ બિલ્ડિંગના પુલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનનું કરુણ મોત

04:47:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હસતા-રમતા બે ફૂલ કરમાયા: </strong></span>રાજકોટની સોપાન હાઈટ્સ બિલ્ડિંગના પુલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનનું કરુણ મોત</p>

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં રમતા-રમતા બે માસૂમ બાળકો ખાબકતા તેમનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. મૃતક બાળકો સગા ભાઈ-બહેન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આખા વિસ્તારમાં અને બિલ્ડિંગના રહીશોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં સફાઈ કામ કરતા શ્રમિક પરિવારના બે માસૂમ બાળકો સ્વિમિંગ પૂલની આસપાસ રમી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક જ કોઈ કારણોસર બંને બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકોને પાણીમાં ડૂબતા જોઈ આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને બિલ્ડિંગમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે બાળકોના માતા-પિતા તે જ બિલ્ડિંગમાં સફાઈનું કામ કરી રહ્યા હતા. જેવી તેમને પોતાના બાળકો પૂલમાં ડૂબ્યા હોવાની જાણ થઈ, તેઓ તાત્કાલિક કામ છોડીને પૂલ પાસે દોડી આવ્યા હતા. પોતાના હસતા-રમતા બાળકોને નિર્જીવ હાલતમાં જોઈને માતા-પિતાના કલ્પાંતથી પથ્થર દિલના માણસો પણ પીગળી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ બિલ્ડિંગના રહીશોએ તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. બંને બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકોના શ્વાસ થંભી ગયા હતા અને ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એકસાથે બે સંતાનો ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. આ ગંભીર ઘટના બાદ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આવેલા સ્વિમિંગ પૂલની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પૂલની આસપાસ કોઈ સુરક્ષા ગાર્ડ હતો કે કેમ અથવા તો બાળકોને પૂલ સુધી પહોંચતા અટકાવવા માટે કોઈ ફેન્સિંગ કે દરવાજાની વ્યવસ્થા હતી કે નહીં, તે અંગે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

આ બેદરકારીએ બે માસૂમ જીવ લીધા હોવાનો રોષ પણ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સોપાન હાઈટ્સ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ વાલીઓ અને સોસાયટી મેનેજમેન્ટ માટે લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે.