રાજકોટવાસીઓ ખાસ નોંધ લેજો! મનપાની પ્રાથમિક મતદાર યાદી જાહેર, 1 લાખથી વધુ નામો કમી થયા, તમારું નામ તપાસી લેજો....
રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026ને આડે હવે થોડાં દિવસો બાકી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી શહેરના તમામ 18 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી ગતરોજ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) બાદ સામે આવેલા આંકડાઓએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ વખતે યાદીમાં જોવા મળેલો સૌથી મોટો ફેરફાર એ છે કે, ગત વર્ષની સરખામણીએ શહેરમાં કુલ મતદારોની સંખ્યામાં 1 લાખથી વધુનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. ગત ચૂંટણી સમયે જ્યાં 10,93,991 મતદારો હતા, ત્યાં શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ હવે આ આંકડો ઘટીને 9,85,952 પર પહોંચ્યો છે. તંત્ર દ્વારા ડુપ્લીકેશન રોકવા, સ્થળાંતર કરી ગયેલા લોકો અને લાંબા સમયથી ગેરહાજર હોય તેવા નામો કમી કરવાની સઘન ઝુંબેશ ચલાવવામાં આવતા મતદારોની સંખ્યામાં આ ઘટાડો જોવા મળ્યો છે.
ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, નવા આંકડામાં 5,10,086 પુરુષ મતદારો અને 4,75,848 મહિલા મતદારોની સાથે 18 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, એક તરફ મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે, તો બીજી તરફ વસ્તીની ગીચતા અને ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખીને મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં અગાઉના 991 બૂથની સામે હવે 25 બૂથનો ઉમેરો કરી કુલ 1016 બૂથ નક્કી કરાયા છે. જેમાં વોર્ડ નંબર 3 માં સૌથી વધુ 77 બૂથ અને વોર્ડ નંબર 5 માં સૌથી ઓછા 42 બૂથ ફાળવવામાં આવ્યા છે.
પ્રણય પંચાલ
મનપાના ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, ગતરોજ રાજ્યનાં ચૂંટણી આયોગની સૂચનાથી અને મહાનગરપાલિકાના મતદાર નોંધણી અધિકારી અને કમિશનર સાહેબ તથા રાજકોટ જિલ્લા અને શહેર ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબના સહકાર અને સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી વિધાનસભા પરથી તૈયાર કરીને કુલ 1થી 18 વોર્ડમાં વિભાજીત કરવામાં આવી છે, જેથી મતદાનના દિવસે નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં સરળતા રહે.
રાજકોટના જાગૃત નાગરિકો માટે આ પ્રાથમિક યાદી જાહેર કરી દેવામાં આવી હોવાથી, જો કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં છૂટી ગયું હોય અથવા વિગતોમાં ક્ષતિ હોય તો સુધારા માટેની તક પણ આપવામાં આવી છે. આ માટે મતદારો ઢેબર રોડ પર આવેલ ડો. આંબેડકર ભવન ખાતે ત્રીજા માળે રૂમ નંબર 11માં આવેલી મુખ્ય ચૂંટણી શાખાનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, શહેરની તમામ 18 વોર્ડ ઓફિસોમાં પણ જે-તે વોર્ડની યાદી અવલોકન માટે મુકવામાં આવી છે. જો કોઈ લાયક મતદારનું નામ યાદીમાં ન હોય, તો તેઓ જરૂરી આધાર-પુરાવા સાથે ચૂંટણી શાખામાં રજૂઆત કરી શકે છે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાઈનલ યાદી પ્રસિદ્ધ થાય ત્યાં સુધી અને ખાસ કિસ્સામાં ઉમેદવારી ફોર્મ ભરાવવાના 10 દિવસ અગાઉ સુધી પણ નામ ઉમેરવાની કે સુધારવાની પ્રક્રિયા ચાલુ રહેશે, જેથી દરેક નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય.