મારી સમાજસેવાનું સ્વરૂપ બદલાયું : રાજકોટ મનપા ચૂંટણી માટે વોર્ડ નં. 11ના ઉમેદવાર રક્ષિત કલોલાએ કહ્યું - 'અધૂરા કામો પૂરા કરવા એ જ મારી પ્રાથમિકતા'

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં શિક્ષિત અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપીને સૌને ચોંકાવી દીધા છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ વોર્ડ નંબર 11ના ઉમેદવાર તરીકે રક્ષિત કલોલાનું રહ્યું છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટિકિટની જાહેરાત થતાની સાથે જ રક્ષિત કલોલા પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા અને સામાજિક ક્ષેત્રે સક્રિય એવા રક્ષિતભાઈને ટિકિટ મળતા જ રાજકોટના વકીલ આલમમાં ખુશીની લહેર જોવા મળી હતી. મોટી સંખ્યામાં વકીલો અને સમર્થકોએ તેમને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી અને આ વિજય વિશ્વાસને વધાવ્યો હતો.
શિક્ષિત અને યુવા નેતૃત્વ પર ભાજપનો ભરોસો
રક્ષિત કલોલાએ પક્ષનો આભાર માનતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ હંમેશા પાયાના કાર્યકરો અને શિક્ષિત યુવાનો પર ભરોસો મૂક્યો છે. તેમણે ઉમેર્યું કે, "ભાજપે નવા અને ભણેલા-ગણેલા ઉમેદવારોને તક આપવાની જે નીતિ અપનાવી છે, તેના ભાગરૂપે મને વોર્ડ નંબર 11ની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે હું પ્રદેશ નેતૃત્વ અને સંગઠનનો હૃદયપૂર્વક આભાર માનું છું." વકીલાતનો વ્યવસાય પોતે જ એક પ્રકારની સમાજસેવા છે તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી હું કોર્ટના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલતો હતો, પરંતુ હવે ભાજપના માધ્યમથી મારી સમાજસેવાનું સ્વરૂપ બદલાયું છે. હવે હું પ્રત્યક્ષ રીતે જનતાની વચ્ચે રહીને તેમના પાયાના પ્રશ્નો અને શહેરના વિકાસમાં યોગદાન આપી શકીશ.
વિકાસકામોની પ્રાથમિકતા અને જનસેવાનો સંકલ્પ
વોર્ડ નંબર 11ના વિકાસ અંગે પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા રક્ષિત કલોલાએ ખાતરી આપી હતી કે, વિસ્તારમાં જે પણ કામો અધૂરા છે તેને પૂર્ણ કરવા તે તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીના વિઝન સાથે વોર્ડના આંતરમાળખાકીય પ્રશ્નો, રોડ-રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. માત્ર ચૂંટણી જીતવી એ જ ધ્યેય નથી, પરંતુ લોકોના વિશ્વાસ પર ખરા ઉતરીને વોર્ડ નંબર 11ને એક આદર્શ વોર્ડ બનાવવાનું તેમનું લક્ષ્ય છે. સામાજિક સમરસતા જાળવીને તમામ વર્ગોના લોકોને સાથે રાખીને તેઓ વિકાસની ગતિને આગળ ધપાવશે. વકીલો અને સ્થાનિક રહેવાસીઓના મળેલા અભૂતપૂર્વ સમર્થનથી તેમનો ઉત્સાહ બેવડાયો છે.