રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી : ભાજપે છેલ્લી ઘડીએ વોર્ડ 7ના ઉમેદવાર બદલ્યા, જાણો કોણ લડશે ચૂંટણી...

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 7ની બેઠક માટે પક્ષે લીધેલા આકસ્મિક નિર્ણયે સૌ કોઈને ચોંકાવી દીધા છે. શરૂઆતમાં પક્ષ દ્વારા શૈલેષ જાનીના નામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં જ આ નિર્ણય પર યુ-ટર્ન લેવામાં આવ્યો અને પૂર્વ કોર્પોરેટર નેહલ શુક્લને મેદાનમાં ઉતારવામાં આવ્યા. શુક્રવારે જાહેર થયેલા લિસ્ટ બાદ શનિવારે ફોર્મ ભરવાની અંતિમ ઘડીએ થયેલો આ ફેરફાર રાજકોટના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. સવારે જ મનપામાં વોર્ડ નં 7ના ઉમેદવાર નેહલ શુક્લએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
શનિવારે નેહલ શુક્લ જ્યારે સત્તાવાર મેન્ડેટ લેવા ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે પક્ષમાં એકતાનો માહોલ ઉભો કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા અને ખાસ કરીને જેમને ટિકિટ ન મળી તેવા શૈલેષ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેર પ્રમુખ માધવ દવેએ જણાવ્યુ હતું કે રાજકોટ વોર્ડ નંબર 7માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શૈલેષ જાનીને બદલે નેહલ શુક્લ કરશે ઉમેદવારી.
રાજકોટ શહેર પ્રમુખ માધવ દવે
નેહલ શુક્લાને જીતાડવા એ જ અમારો લક્ષ્ય છે. ભાજપની પાર્ટીનો નિર્ણય સર્વોપરી જ હોય છે, તેમ શૈલેષ જાનીએ જણાવ્યું હતું. 
નેહલ શુક્લની ઉમેદવારી પક્ષ માટે વ્યૂહાત્મક માનવામાં આવે છે કારણ કે તેઓ જનસંઘ અને ભાજપના પાયાના નેતા સ્વર્ગીય ચીમન શુક્લના પુત્ર છે. ગત ટર્મમાં કોર્પોરેટર તરીકે નેહલ શુક્લનું વલણ ઘણું આક્રમક રહ્યું હતું અને તેમણે અનેક મુદ્દાઓ પર સ્ટેન્ડિંગ કમિટી તથા જનરલ બોર્ડમાં પોતાના જ પક્ષ સામે પ્રશ્નો ઉઠાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમનો આ મજબૂત રાજકીય વારસો અને પ્રજાકીય પ્રશ્નો ઉઠાવવાની શૈલી તેમને લોકપ્રિય બનાવે છે.
હવે જ્યારે ભાજપે આંતરિક ખેંચતાણ અને જૂથવાદના આક્ષેપોને નકારીને છેલ્લી ઘડીએ તેમને ટિકિટ આપી છે, ત્યારે આ નિર્ણય ચૂંટણીના પરિણામો પર કેવી અસર કરે છે અને મતદારો આ ફેરફારને કેવી રીતે સ્વીકારે છે તે જોવું રસપ્રદ રહેશે. પક્ષે આ ફેરફાર દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે યોગ્ય સમીકરણો માટે તેઓ અંતિમ ક્ષણે પણ મક્કમ નિર્ણયો લઈ શકે છે.