રાજપાલ યાદવને હાઈકોર્ટનો ઝટકો: રૂ. 6 કરોડ ચૂકવવા વધુ સમય માંગતી અરજી ફગાવી
બોલિવુડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ માટે કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રૂ.6 કરોડના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે રાજપાલને મોટો ઝટકો આપ્યો છે. અભિનેતાએ બાકી રકમની ચૂકવણી માટે અદાલત પાસે 30 દિવસની મહોલત માંગી હતી, પરંતુ હાઈકોર્ટે તેને વધુ સમય આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન અદાલત રાજપાલ યાદવ અને તેમના વકીલના પરસ્પર વિરોધી નિવેદનોને જોઈને નારાજ થઈ હતી. એકતરફ વકીલે એવી દલીલ કરી હતી કે રાજપાલે જેલવાસ ભોગવી લીધો હોવાથી હવે તેઓ પૈસા ચૂકવવા તૈયાર નથી, તો બીજી તરફ રાજપાલે પોતે નાણાં ભરવાની તૈયારી બતાવી હતી.
આ વિરોધાભાસને કારણે અદાલતે રાજપાલની આકરી ઝાટકણી કાઢી હતી. પોતાનો પક્ષ રજૂ કરતા રાજપાલ યાદવ અદાલતમાં ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ અત્યાર સુધીમાં પોતાના પાંચ ફ્લેટ વેચીને લેણદારોને મોટી રકમ ચૂકવી ચૂક્યા છે. તેમણે પોતાની લાચારી વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે, જો પરિસ્થિતિ એવી જ હોય તો તેઓ વધુ પાંચ વાર જેલમાં જવા પણ તૈયાર છે, પરંતુ હાલ તેમની પાસે તાત્કાલિક ચૂકવણી માટે વ્યવસ્થા નથી. ઉલ્લેખનીય છે કે આ ચેક બાઉન્સનો મામલો વર્ષો જૂનો છે અને આ જ કેસમાં રાજપાલ યાદવ દિલ્હીની તિહાર જેલમાં જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે.
જેલમાંથી છૂટ્યા બાદ તેમને જામીન મળ્યા હતા, પરંતુ નાણાકીય લેણ-દેણનો વિવાદ હજુ પણ ઉકેલાયો નથી, જેને લીધે તેઓ વારંવાર કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. ફરિયાદ પક્ષના વકીલે રાજપાલની દલીલોનો વિરોધ કરતા કહ્યું હતું કે જેલવાસ ભોગવવો એ સજાનો ભાગ છે, પરંતુ તેનાથી તેમની આર્થિક જવાબદારી ખતમ થઈ જતી નથી. કાયદા મુજબ જેલમાં જઈ આવ્યા પછી પણ લેણી નીકળતી રકમ તો ચૂકવવી જ પડે છે. ફરિયાદ પક્ષે માંગ કરી હતી કે રાજપાલને કોઈપણ પ્રકારની વધારાની રાહત ન આપવી જોઈએ.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે હાલ પૂરતો આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. હવે જોવાનું એ રહેશે કે અદાલત રાજપાલને પૈસા ભરવા માટે અંતિમ કેટલી મુદ્દત આપે છે અથવા તો તેમની સામે ફરી કોઈ કડક કાર્યવાહીના આદેશ આપે છે. આ ચુકાદા પર રાજપાલ યાદવની ભવિષ્યની કારકિર્દી અને સ્વતંત્રતાનો મોટો આધાર છે.