“પેડ્ડી” ના સેટ પર સુપરસ્ટાર રામચરણ થયો ઘાયલ, આંખની ઉપર આવ્યા 4 ટાંકા
સાઉથ સિનેમાના 'મેગા પાવર સ્ટાર' રામ ચરણના ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અભિનેતા તેની આગામી ફિલ્મ "પેડ્ડી" ના શૂટિંગમાં વ્યસ્ત હતો, તે દરમિયાન એક સીન ભજવતી વખતે તે અચાનક ઇજાગ્રસ્ત થયો હતો. આ સમાચાર વાયુવેગે ફેલાતા સોશિયલ મીડિયા પર તેમના કરોડો ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ, શૂટિંગ દરમિયાન રામ ચરણને ચહેરાના ભાગે ઇજા થઈ હતી. ઇજા થોડી ગંભીર હોવાથી તેમને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી, તબીબોએ તેમની આંખની બરાબર ઉપરના ભાગે 4 ટાંકા લીધા છે.
જોકે, રાહતની વાત એ છે કે તેમની આંખને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને તે સુરક્ષિત છે. અભિનેતાની તબિયતને લઈને ફેલાયેલી અફવાઓ વચ્ચે રામ ચરણની ટીમે સત્તાવાર અપડેટ જાહેર કર્યું છે. ટીમના સૂત્રોએ જણાવ્યું છે કે, રામ ચરણ અત્યારે બિલકુલ ઠીક છે. આંખની ઉપર થયેલી ઇજા સામાન્ય છે અને તેનાથી કોઈ મોટું જોખમ નથી. આ નિવેદન બાદ પરેશાન થયેલા ચાહકોએ હાશકારો અનુભવ્યો છે.
સામાન્ય રીતે આવી ઇજા બાદ કલાકારો આરામ કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ રામ ચરણે પ્રોફેશનલિઝમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇજા અને ટાંકા આવ્યા હોવા છતાં, તેમણે શૂટિંગમાંથી કોઈ પણ પ્રકારનો બ્રેક લીધો નથી. તેમણે શિડ્યુલ ખોરવાય નહીં તે માટે તરત જ સેટ પર પરત ફરીને પોતાનું કામ ચાલુ રાખ્યું છે.
આ ઘટના બાદ ફિલ્મના સેટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. નિર્માતા-નિર્દેશકોએ એક્શન સીન દરમિયાન કલાકારોની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપી છે. હાલમાં રામ ચરણ તબીબી દેખરેખ હેઠળ કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે તેવી અપેક્ષા છે.